પતિને ભૂલ સમજાતા સુખદ અંત આવ્યો
મકાન બનાવવા બાબતે ઝઘડો થતાં પત્ની પિયર જતી રહેતા પતિએ બાળકી પોતાની પાસે રાખી લીધી હતી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા ઘર કંકાસના કારણે વિખૂટા પડેલા પરિવારને જોડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. પારિવારિક ઝઘડામાં પિતા પાસે રહી ગયેલી પોણા બે વર્ષની માસૂમ બાળકીને તેની માતા સાથે મિલાવીને અભયમ ટીમે એક વિખરાતા ઘરને બચાવી લીધું છે.
વિગતો મુજબ, પીડિત મહિલાના લગ્નને ત્રણ વર્ષ થયા હતા, પરંતુ સંયુક્ત પરિવારમાં મકાન બનાવવા જેવી બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. આ તકરાર વધતા મહિલા છેલ્લા દોઢ મહિનાથી પિયર રહેવા જતી રહી હતી. જોકે, આ દરમિયાન પતિએ પોણા બે વર્ષની દીકરીને પોતાની પાસે રાખી લીધી હતી. દીકરી વગર વ્યાકુળ બનેલી માતાએ આખરે ૧૮૧ અભયમની મદદ માંગી હતી.
અભયમની ટીમે ઘટનાસ્થળે પહોંચી પતિ અને પરિવારના વડીલો સાથે લાંબી ચર્ચા કરી હતી. ટીમે કાયદાકીય સમજણ આપતા સમજાવ્યું હતું કે માસૂમ બાળકીને માતાની મમતાની સૌથી વધુ જરૃર છે. કાઉન્સેલિંગના અંતે પતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે સ્વેચ્છાએ દીકરી પત્નીને સોંપી હતી. આ સાથે જ મકાનનું કામ પૂર્ણ કરવાની ખાતરી પણ આપી હતી. હાલ મહિલા દીકરી સાથે પિયર ગઈ છે, જ્યાંથી સાસરી પક્ષના લોકો તેને ટૂંક સમયમાં માનપૂર્વક પરત તેડી જશે.


