પહલગામ હુમલા બાદ સહલાણી ઘટતાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને ફટકો, કાપડનો મોટો ઓર્ડર રદ
Surat Textile : પહલગામના આતંકી હુમલાને પગલે રાતોરાત સહેલાણીની સંખ્યામાં ઘટાડો થતા જમ્મુ-કાશ્મીરના વેપારીઓ દ્વારા સરેરાશ 20 લાખ મીટર કાપડના ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવી સ્થિતીને પગલે પરિસ્થિતિમાં કયારે સુધારો થશે તે કંઇ કહી શકાય એમ ન હોવાથી પુનઃ કયારે ઓર્ડર મળશે તે અંગે અસંમજસની સ્થિતિ જોવા મળી રહી છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં સહેલાણીઓને હિન્દુ છો કે મુસલમાન એવું પુછ્યા બાદ ધડાધડ ગોળી મારી 26 નિર્દોષની હત્યાની ચકચારી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં જોવા મળી રહ્યા છે. ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાન પ્રેરિત હુમલા હોવાની ચર્ચા વચ્ચે પાકિસ્તાનના ધ્વજ ઉપર મુર્દાબાદના લખાણ સાથે ચપ્પલ મારવામાં આવી રહી છે. ઉપરાંત દેશના અલગ-અલગ સંગઠનો દ્વારા વિવિધ રીતે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. જો કે આ હુમલાની સીધી અસર સુરતની ઓળખ ગણાતા ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર પણ જોવા મળી છે.
ટેક્સટાઇલ ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ સુરતમાંથી દર મહિને સરેરાશ 25 લાખ મીટર કાપડ જમ્મુ-કાશ્મીરમાં જાય છે. પરંતુ આતંકી હુમલાને પગલે રાતોરાત સહેલાણીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જેથી કાશ્મીરના વેપારીઓએ સુરતમાંથી સપ્લાય થતા કાપડના ઓર્ડર ઉપર કાપ મુકયો છે અને 25 લાખ મીટરની સામે 20 લાખ મીટરના ઓર્ડર કેન્સલ કર્યા છે.
જેથી એમ કહી શકાય કે પહલગામના આતંકી હુમલાનું ગ્રહણ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તંગ વાતાવરણ વચ્ચે યુધ્ધ જેવી સ્થિતી જોવા મળી રહી હોવાથી પરિસ્થિતિ કયારે સુધરશે તે કંઇ કહી શકાય એમ ન હોવાથી આગામી દિવસોમાં પણ કાપડના ઓર્ડર મળે છે કે કેન્સલ થાય છે તે અંગે અસંમજસની સ્થિતિ જોવા મળી રહી છે.