Get The App

VIDEO: 'અભય' અને 'શ્રી' બન્યા સુરતના સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: 'અભય' અને 'શ્રી' બન્યા સુરતના સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી 1 - image


Surat Sarthana Nature Park: સુરતના વન્યજીવ પ્રેમીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. સરથાણા સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ ગાર્ડન (નેચર પાર્ક)માં ઓડિશાના ભુવનેશ્વરથી લાવવામાં આવેલી વાઘ-વાઘણની જોડીને આજે (નવમી ફેબ્રુઆરી) ડિસ્પ્લે માટે ખુલ્લી મૂકવામાં આવશે. જોકે, મુલાકાતીઓ તેમને ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ થયા બાદ જ નજીકથી નિહાળી શકશે.

વાઘ-વાઘણની જોડીએ 1675 કિ.મી.ની લાંબી મુસાફરી કરી

મળતી માહિતી અનુસાર, સુરત મહાનગરપાલિકા સંચાલિત નેચર પાર્કમાં 'એનિમલ એક્ષચેન્જ સ્કીમ' હેઠળ ભુવનેશ્વરના પ્રસિદ્ધ નંદનકાનન ઝુઓલોજીકલ ગાર્ડનમાંથી વાઘ-વાઘણની જોડી લાવવામાં આવી છે. જેમાં વાઘનું નામ 'અભય' અને વાઘણનું નામ 'શ્રી' છે. આ જોડીએ ભુવનેશ્વરથી સુરત સુધીનું આશરે 1675 કિલોમીટરનું અંતર 48 કલાકની મુસાફરીમાં કાપ્યું છે.

આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર મોટી કાર્યવાહી: બેંગકોકથી આવેલી ફ્લાઇટની સીટ નીચેથી ગાંજો ઝડપાયો, ચારની ધરપકડ

શા માટે રાખવામાં આવે છે પ્રાણીઓને ક્વોરન્ટાઇન?

સામાન્ય રીતે 'ક્વોરન્ટાઇન' શબ્દ કોરોના કાળમાં મનુષ્યો માટે પ્રચલિત થયો હતો, પરંતુ પ્રાણી સંગ્રહાલયના નિયમો મુજબ જ્યારે કોઈ પ્રાણીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લાવવામાં આવે ત્યારે તેને વાતાવરણ સાથે અનુકૂળ થવા માટે ક્વોરન્ટાઇન રાખવા અનિવાર્ય છે.

નેચર પાર્કના અધિકારી હિના પટેલે જણાવ્યું હતું કે, 'ભુવનેશ્વર અને સુરતના વાતાવરણમાં ઘણો તફાવત છે. લાંબી મુસાફરીના થાક બાદ પ્રાણીઓ સુરતના વાતાવરણ સાથે એડજસ્ટ થાય અને તેમના સ્વાસ્થ્યનું અવલોકન કરી શકાય તે માટે 45 દિવસનો ક્વોરન્ટાઇન પિરિયડ રાખવામાં આવે છે.'

મુલાકાતીઓ ક્યારે નિહાળી શકશે?

આજે આ જોડીને ડિસ્પ્લે એરિયામાં લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અત્યારે તેમને ખાસ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ થતાની સાથે જ નેચર પાર્કમાં આવતા સહેલાણીઓ માટે વાઘની આ શાહી જોડી આકર્ષણનું કેન્દ્ર બનશે.

ઉલ્લેખનીય છે કે,લુપ્ત થતી જતી વન્યજીવોની પ્રજાતિઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને પર્યાવરણનું મહત્ત્વ સમજાય તે હેતુથી સુરત ઝૂમાં આ નવા મહેમાનોનું આગમન કરવામાં આવ્યું છે.