Gujarat

સુરતની રહેણાંક સોસાયટી-શેરીની નવરાત્રીને આધુનિક ટચ, દસ દિવસ માટે દસ ડ્રેસ કોડ જાહેર કર્યા

By GS TEAM
23 Sep 20252 mins read
TukuTouch Logo
વ્હાઇટ ડે, રેડ દુપટ્ટા ડે, પેસ્ટલ કલર ડે, બ્લુ ડે, બ્લેક ડે, સેમી ટ્રેડિશનલ ડે, ટ્રેડિશનલ ડે, ગાઉન-ગોગલ્સ ડે, કૃર્તિ ડે જેવા કોડ પ્રમાણે ખેલૈયા ગરબા-દાંડિયા રમશે

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતની રહેણાંક સોસાયટી-શેરીની નવરાત્રીને આધુનિક ટચ, દસ દિવસ માટે દસ ડ્રેસ કોડ જાહેર કર્યા

Surat Navratri 2005 : સુરતમાં વરસાદી માહોલ વચ્ચે નવરાત્રીનો પ્રારંભ થયો છે અને શહેરની રહેણાંક સોસાયટી હવે નવરાત્રીને આધુનિક ટચ આપી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી રહેણાંક સોસાયટીના ગરબા યુનિક જોવા મળે તે માટે નવરાત્રીના દસ દિવસ ખેલૈયાઓ માટે ડ્રેસ કોડ જાહેર કરવામાં આવ્યા છે અને તે મુજબ જ ખેલૈયાઓ ગરબા-દાંડિયા રમતા જોવા મળી રહ્યાં છે. 

સુરતમાં ધંધાદારી નવરાત્રી વચ્ચે શેરી અને રહેણાંક સોસાયટીના ગરબાનો ટ્રેન્ડ જોરમાં જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વ્યસ્ત રહેતા સોસાયટીના રહીશો માટે નવરાત્રીનો તહેવાર યુનિટી માટેનો તહેવાર પણ બની રહ્યો છે. ધંધાદારી ગરબામાં મોંઘાદાટ પાસ-ટિકિટ મધ્યમ વર્ગના લોકોને પોષાય તેમ નથી અને સોસાયટીમાં જ આધુનિક ટચ સાથે ગરબા થતા હોવાથી અનેક યંગસ્ટર્સ પણ સોસાયટી-શેરીમાં ગરબા રમતા થયાં છે. 

નવરાત્રીના કારણે યુનિટી વધી રહી છે ઉપરાંત સોસાયટી અને શેરીઓમાં જ વડીલો-યંગસ્ટર્સ અને બાળકો એક જ કેમ્પસમાં ગરબા રમી રહ્યાં છે. તો યંગસ્ટર્સને પણ સોસાયટીમાં જ રહેવું ગમે તે માટે સોસાયટીના સભ્યો દ્વારા ખેલૈયાઓ માટે દસ દિવસ માટે દસ ડ્રેસ કોડ જાહેર કર્યા છે. જેમાં એક દિવસ વ્હાઇટ ડે, બીજા દિવસે રેડ દુપટ્ટા ડે, ત્રીજા દિવસે પેસ્ટલ કલર ડે, આમ દસ દિવસ માટે બ્લુ ડે, બ્લેક ડે, સેમી ટ્રેડિશનલ ડે, ટ્રેડિશનલ ડે, ગાઉન-ગોગલ્સ ડે, કૃર્તિ ડે જેવા કોડ જાહેર કરવામાં આવ્યા છે અને તે પ્રમાણે ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં ઉતરવાનું પણ શરુ કરી દીધું છે. જેના કારણે અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત કેટલીક સોસાયટીએ એક દિવસ ડી.જે ડેની ઉજવણી કરીને થાક ઉતારવાનો પ્રયાસ કરશે. 

કેટલાક રહેણાંક વિસ્તારમાં વેસ્ટન આઉટ ફીટ પર પ્રતિબંધ  

સુરતની રહેણાંક સોસાયટીમાં ખેલૈયાઓ માટે જુદા-જુદા ડ્રેસ કોડ જાહેર કરવામાં આવ્યા છે તેની સાથે સાથે કેટલીક સોસાયટીએ વેસ્ટન આઉટફિટ પહેરીને આવે ત્યારે ખેલૈયાઓને પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. 

છેલ્લા કેટલાક વખતથી નવરાત્રીમાં ટ્રેડીશનલ ડ્રેસના નામે શરીર દેખાય તેવા ખુલ્લા ડ્રેસ પહેરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ઉપરાંત કેટલાક આઉટફિટ પહેરીને પણ ગરબે ઘૂમી રહ્યા છે. પરંતુ કેટલીક સોસાયટીઓમાં આઉટફિટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેનું કારણ જણાવતા વડીલો કહે છે, સોસાયટીમાં બધા ભેગા મળીને પરિવાર સાથે ગરબે ઘૂમી રહ્યાં છે તેવામાં આઉટફિટ પહેરેલી કોઈ વ્યક્તિ આવે તો યોગ્ય લાગતું નથી. જેના કારણે સોસાયટીના આગેવાનો ભેગા થઈને આઉટફિટ પહેરીને કોઈ કેમ્પસમાં ગરબા નહી રમી શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.