અમરનાથમાં 27 વર્ષથી ચાલે છે ગુજરાતી ભંડારો, સુરતની સંસ્થાનો કાશ્મીરના મહામંડલેશ્વર સાથે સેવા યજ્ઞ
Amarnath Yatra: જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતમાં જે યાત્રા થાય છે તેમાં યાત્રાળુઓને સુવિધા માટે સંખ્યાબંધ ભંડારા શરુ થાય છે, પરંતુ સ્વાદના રસિયા ગુજરાતીઓને પોતીકું ભોજન મળી રહે તે માટે સુરતની એક સંસ્થા અહીંના પ્રાચીન ભંડારા સાથે મળીને છેલ્લા 27 વર્ષથી યાત્રાળુઓ માટે ગુજરાતી ભોજનનો ભંડારો ચલાવી રહી છે. અમરનાથ યાત્રા શરૂ થઈ રહી હોવાથી સુરતથી રસોડાનો સામાન લઈને પહલગામના ચંદનવાડી નુનવાન પણ પહોંચી ગયો છે. સુરતની આ સંસ્થાના 20થી વધુ સ્વયંસેવક યાત્રાના અંત સુધી સેવા આપીને યાત્રાળુઓને ગુજરાતી ભોજન આપશે.
જો કે, આ ભંડારામાં ઉત્તર ભારતીયોના સ્વાદને ધ્યાનમાં રાખીને ભક્તોને ભોજન પીરસવામાં આવે છે. આ યાત્રામાં ગુજરાતી યાત્રાળુઓની સંખ્યા નોંધપાત્ર હોય છે તેથી તેમને પોતીકા ટેસ્ટનું ભોજન મળે તેવો એકમાત્ર ભંડારો છે, જે ચંદનવાડીના નૂનવાનમાં ચાલે છે. આ જગ્યાએ શ્રી શ્રી 1008 શ્રી બાબા રામ રમૈયા મહારાજના આશ્રમ દ્વારા 64 વર્ષથી ભંડારો ચલાવાય છે અને છેલ્લા 27 વર્ષથી ગુજરાતી ભોજન પીરસવામાં આવે છે.

આ ભંડારા અંગે માહિતી આપતા સુરતના સમાજ સેવક વજુભાઈ સુહાગિયા કહે છે, ‘1996માં અમે અમરનાથ યાત્રા ગયા હતા, જ્યાં ભંડારા તો હતા પરંતુ ગુજરાતી ભોજન મળતું ન હોવાથી અનેક મુશ્કેલી પડી હતી. અમે બાબા રામ રમૈયાના ભંડારામાં રોકાયા હતા અને ત્યાર બાદ 1997થી સુરતના મંડળ શિવશક્તિ સેવા સમિતિ જોડાઈ હતી. ત્યાં અમે ગુજરાતીઓને ભોજનમાં મુશ્કેલી પડતી હોવાની વાત કરી, જેનો બાબાએ સ્વીકારી કર્યો. ત્યારબાદ 1997થી સુરતની શિવશક્તિ સેવા સમિતિ અમરનાથ યાત્રા આવતા યાત્રાળુઓને સાત્વિક ગુજરાતી ભોજન પીરસી રહી છે.’
અમરનાથ યાત્રા આવતીકાલથી યાત્રા શરૂ થાય છે ત્યારે સુરતની ટીમ બે ટ્રક ભરીને ભંડારાની સામગ્રી લઈ કેમ્પ પર પહોંચી ગઈ છે. શિવશક્તિ સેવા સમિતિ છેલ્લા 27 વર્ષથી ભંડારામાં વપરાતું અનાજ, તેલ સહિત રસોડામાં વપરાતી તમામ ખાદ્ય સામગ્રી લઈને કાશ્મીર પહોંચી જાય છે. ત્યાં તેઓ યાત્રાના પહેલા જ દિવસથી ગુજરાતી યાત્રાળુઓને ભોજન પીરસે છે.
આ કામ સુરતની શિવશક્તિ સમિતિ છેલ્લા 64 વર્ષથી ભંડારો ચલાવતા ગોપાલ દાસજી મહારાજ સાથે મળીને કરે છે. આ સંસ્થા યાત્રાળુઓને કંઈ મુશ્કેલી હોય તો અમરનાથ યાત્રા ધામના ચંદનવાડીના નૂનવાન પહેલગામ ખાતે પહોંચી સહાય આપવામાં પણ મદદરૂપ થાય છે. આમ સુરતની એક સેવાભાવી સંસ્થા પૌરાણિક ભંડારામાં જોડાતા સુરત અને ગુજરાતથી અમરનાથ યાત્રા જતા શ્રદ્ધાળુઓને ભોજનની સાથે અન્ય મદદ પણ મળે છે.
સુરતથી કિરણ પટેલ સુરતી, અશ્વિની અકબરી, પ્રવિણ ડાગરિયા, કાંતિ મુંગરા, રઘુ બાબરિયા, ધીરૂ ભંડેરી, મધુ સાવલિયા, વજુ વેકરિયા, ભાવેશ સોજીત્રા, રાજુ બોરસદિયા, મુકેશ કોરાટ, વિમલ વકીલ, પ્રવીણ બાબરિયા, ભરત બાબરિયા, મુકેશ પાધડાર, અશોક માંગરોળિયા અને વજુ સુહાગિયા તબક્કાવાર પોણા બે મહિનાની યાત્રામાં સેવા આપતા રહેશે.
આ ભંડારામાં દાળ- ભાત, ખીચડી-કઢી સહિતનું ગુજરાતી ભોજન
પહેલગામ નુનવાનના આ ભંડારામાં સવારે દાળ-ભાત, શાક, કઠોળ, રોટલી અને કચુંબરનું ભોજન અપાય છે, તો સાંજે ખીચડી, કઢી પીરસવામાં આવે છે. આ સાથે કેરીનો રસ પણ આપવામાં આવે છે. આ તમામ ભોજન સીંગતેલ અને દેશી ઘીમાં બનાવાય છે. આ ઉપરાંત ઘઉંનો લોટ અને ચા પણ સુરતથી જ લઈ જવાય છે. અહીં દૂધ મળતું ન હોવાથી દૂધનો પાઉડર પણ લઈ જવાય છે. અહીં શ્રદ્ધાળુઓને સવારે નાસ્તામાં બટાકા પૌંઆ, ખમણ, ભજીયા ઉપરાંત સૂકો મેવો પણ અપાય છે.