2036માં ઓલમ્પિકના યજમાન માટેની મોટી વાતો વચ્ચે, સુરતના કતારગામ સ્કેટિંગ રિંગ ઉકરડો બની ગઈ, ઝાડી ઝાંખરા ઉગી ગયા
Surat : સુરતમાં સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે પાલિકાએ વર્ષ 2005માં કતારગામ ખાતે સ્કેટિંગ રિંગ બનાવી હતી. પરંતુ હવે પાલિકા માટે આ સ્કેટિંગ રિંગની જાળવણી યોગ્ય રીતે ન થતી હોવાથી ખંડેર બની ગઈ છે અને સ્કેટિંગ રિંગ ઉકરડો બની ગઈ, ઝાડી ઝાંખરા ઉગી ગયા છે. આ અવાવરુ બનેલી સ્કેટીગ રીંગનો ઉપયોગ દારૂ પીવા માટે, સ્થળ પરથી દારૂની ખાલી બોટલો મળી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામા આવ્યો છે.
ગુજરાતના રમત ગમત મંત્રી ધ્વારા 2036 માં ઓલિમ્પિકની યજમાનીની વાતો કરવામાં આવે છે ત્યારે મંત્રીના જ શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ અને મેદાનો ખંડેર બની રહ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામા આવ્યો છે. કોંગ્રેસના નેતા સુરેશ સુહાગીયાએ આજે કતારગામ ખાતે સ્કેટિંગ રિંગની મુલાકાત લીધા બાદ તેઓએ કહ્યું હતું કે, પાલિકાએ મોટા ઉપાડે 2005માં સ્કેટિંગ રિંગ કતારગામ ખાતે બનાવી છે પરંતુ તેની માવજત કરવામાં આવી ન હોવાથી આ સ્કેટિંગ રિંગમાં ઝાડી ઝાંખરા ઉગી ગયા છે અને ઉકરડો જેવી બની ગઈ છે. પ્રજાના વેરાના કરોડોનો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સ્પોર્ટસ સંકુલોમાં કોઈપણ પ્રકારના સ્પોર્ટ્સ કાર્યક્રમોનું આયોજન થતું ન હોવાથી પ્રજાના પૈસાનો દુરુપયોગ થયો છે. તેમણે વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે, ફક્ત પાર્ટી ફંડ મેળવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને જાહેરાત પાછળ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત સ્કેટીંગ રીંગના સાધનો પણ ગાયબ થઈ ગયા છે અને અહીથી દારૂની બોટલ ખાલી મળી રહી છે તેથી તેનો ઉપયોગ દારૂ પીવા માટે થતો હોય તેવું લાગી રહ્યું છે.
કતારગામ સ્કેટીંગ રીંગની હાલત દયનીય છે અને વર્ષોથી કોઈ કામગીરી કરવામા આવતી નથી તો શું આવી રીતે રમશે ગુજરાત-જીતશે ગુજરાત અને ઓલમ્પિકની યજમાની કરશે ગુજરાત ? તેવું કહીને કરોડોના ખર્ચે બનેલી સ્કેટિંગ રિંગ શરૂ કરવા માંગણી કરી છે.