Gujarat

દિવાળી પહેલા સુરતની સ્વચ્છતામાં ઘટાડો, શહેરમાં કચરાના ઢગ માટે પાલિકા-પ્રજા બંને જવાબદાર

By GS TEAM
16 Oct 20252 mins read
TukuTouch Logo
લોકો દિવાળીની સફાઈ બાદ ઘરવખરીનો સામાન અન્ય કચરો સોસાયટી બહાર ઢગ કરી રહ્યાં છે : પાલિકા તંત્રની યોગ્ય કામગીરી ન હોવાથી આ ઢગ દિવસેને દિવસે વધી રહ્યાં છે

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી પહેલા સુરતની સ્વચ્છતામાં ઘટાડો, શહેરમાં કચરાના ઢગ માટે પાલિકા-પ્રજા બંને જવાબદાર

Surat : સુરત શહેરમાં આ વર્ષે દિવાળી પહેલા શહેરની સ્વચ્છતાને ગ્રહણ લાગી રહ્યું છે. સુરતીઓ દિવાળીની સફાઈ કરી કચરો ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનને આપવાના બદલે સીધો સોસાયટી બહાર કે રોડ પર ઢગલો કરી રહ્યાં છે. તો બીજી તરફ અનેક જગ્યાએ ગાર્ડન વેસ્ટ પણ મોટા પ્રમાણમાં રોડ પર જોવા મળી રહ્યું છે. સામી દિવાળીએ સુરતની સફાઈની કામગીરીને ગ્રહણ લાગ્યું છે તેના માટે પાલિકા તંત્રની સાથે સાથે સુરતીઓ પણ જવાબદાર છે તેના કાણે સ્વચ્છ સુરત ગંદકીમાં ફેરવાઈ રહ્યું છે. 

આગામી નજીકના દિવસોમાં દિવાળીનો તહેવાર હોય સુરતને કર્મભુમિ બનાવી વસવાટ કરતા પરપ્રાંતિય ક અન્ય જિલ્લાના લોકો પોતાના વતન જઈ રહ્યા છે. તો બીજી તરફ સુરતીઓ ઘરની સફાઈ કરી રહ્યા છે. પરંતુ તેના કચરાનો યોગ્ય નિકાલ કરવાના બદલે સોસાયટી બહાર કે મહોલ્લા બહાર અથવા તો જાહેર રોડ પર નિકાલ કરી રહ્યાં છે. સુરતીઓ ગાદલા, તકીયા સાથે તૂટી ગયેલી બેગ કે અન્ય ઘરવખરીનો સામાન બહાર કાઢી રહ્યાં છે. પરંતુ આ સામાન ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં આપવાના બદલે જાહેરમાં ફેંકી રહ્યા છે તેના કારણે ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. 

તો બીજી તરફ એવી પણ ફરિયાદ છે કે ઘણાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી કરતા કર્મચારીઓ આવો કચરો લેતા નથી. આમ સુરતીઓ અને પાલિકાની ગંભીર બેદકારીના કારણે સુરતના રસ્તા પર અનેક જગ્યાએ કચરાના ઢગ જોવા મળી રહ્યાં છે. આવી જ રીતે હાલમાં સોસાયટીઓમાં ગાર્ડન વેસ્ટ પણ બહાર કાઢવામાં આવે છે તેના નિકાલ માટે પાલિકા પાસે કોઈ આયોજન ન હોવાથી આ કચરો પણ શહેરની સુંદરતા માટે જોખમાઈ રહ્યો છે. હાલ દિવાળીના તહેવારમાં સુરતમાં ગંદકીના કારણે અનેક સુરતીઓ અકળાઈ રહ્યાં છે અને તેના કારણે આ સફાઈ કામગીરી ત્વરિત થાય અને ગંદકી કરનાર તથા નબળી કામગીરી કરનારા કર્મચારીઓને પણ દંડ ફટકારવામાં આવે તેવી માંગણી થઈ રહી છે.