સુરત: ખાડી પરના દબાણ હટાવવાની કામગીરીનો થયો પ્રારંભ
સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી પુરની સમસ્યા આવી રહી છે લાખો લોકોની હેરાનગતિ થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. હાલમાં આ ખાડી પુર નિવારણ માટે કમીટી બનાવવામા આવી છે આ કમિટીના અધ્યક્ષ મ્યુનિ. કમિશ્નરની નિમણૂંક બાદ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. પાલિકાએ ગઈકાલથી ખાડીના પાણીને અવરોધતા ગેરકાયદે બનેલા કલવર્ટ અને ખાડીના પાણીને અવરોધતા પુરાણ દુર કરવાની કામગીરી હાથ ધરી છે. જોકે, કામગીરી દરમિયાન પાલિકા સામે અનેક પડકારો આવી રહ્યા છે.
સુરત પાલિકા વિસ્તારમાંથી પસાર થતી ખાડી પર અનેક વખત પુર આવી રહ્યા છે અને લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થતાં લોકોનો આક્રોશ વધી રહ્યો છે. આ ખાડી પુરના નિવારણ માટે લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન કરવા માટે કમિટી બનાવવાની સૂચના મંત્રી દ્વારા આપવામાં આવી હતી. સુરત મનપાના પાંચ અધિકારીઓ સહીત કુલ 19 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું. આ કમિટીના અધ્યક્ષ તરીકે સુરત પાલિકા કમિશનર નિયુક્ત થતાની સાથે જ પાલિકા તંત્ર એકશનમાં આવી ગયું છે અને ખાડીમાં દબાણ દુર કરવા સાથે સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જોકે, આ કામગીરી દરમિયાન નવા નવા પડકાર પાલિકા સામે આવી રહ્યાં છે.
ખાડીના વહેણ અવરોધાય છે તેના માટે હાલમાં એક સર્વે કરાયો છે જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે જેમાં ખાડીના પાણી ને અવરોધ કરતા સરથાણા ઝોનમાં સૌથી વધુ 20 જેટલા અનધિકૃત બ્રિજ અને કલવર્ટ, લિંબાયત ઝોનમાં ચાર થી પાંચ જગ્યાએ અનધિકૃત બ્રિજ અને કલવર્ટ તેમજ ઉધના ઝોનમાં ઉધના ઝોનમાં 5 અનધિકૃત બ્રિજ અને કલવર્ટ ખાડી ના કુદરતી પ્રવાહને અવરોધે છે જેમાંથી કેટલાક ખાડી બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત પાલિકાના અઠવા ઝોનમાં કાંકરા ખાડી પર બમરોલી અને વલસાણ વિસ્તારને જોડતાં ખાડી પુર પર ડાઉન સ્ટ્રીમમાં ખાડીનો અપસ્ટ્રીમ નો ભાગ 100 મીટર નો છે પરંતુ ડાઉન સ્ટ્રીમમાં ખાડી કિનાર પર સિલ્ટિંગ થતો પ્રવાહ 50 થી 60 મીટર થઈ જાય છે જેના કારણે ઝોન દ્વારા આજે ખાડી કિનારે જમા થયેલી માટી દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. જોક, ખાડીની આસપાસ કાદવ હોવાથી પાલિકાની કામગીરી સામે પડકાર આવી રહ્યા છે. 3700 ચો.મી. વિસ્તારમાં આ માટી જમા થઈ છે પરંતુ પોકલેન્ડ મશીનને કિનારા સુધી જવા અને કામગીરી માટે મુશ્કેલી પડી રહી છે.
હાલ પાલિકાના અઠવા, લિંબાયત, અને ઉધના એ ઝોન દ્વારા કામગીરી કરવામાં આવી છે પરંતુ આ કામગીરી લાંબો સમય ચાલે અને કામગીરી દરમિયાન અનેક નવા પડકાર પણ આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.