સુરત પાલિકાએ ગ્રીન વ્હીકલ પોલીસી માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો, દેશમાં ગ્રીન પોલિસી અમલી કરનાર પહેલું શહેર બનશે
Surat Corporation : સુરત મહાનગરપાલિકાએ 2021 માં ભારતની સૌથી પહેલી ઈ-વ્હીકલ પોલીસી બનાવી હતી. આ પોલીસીનો સમય પૂરો થતાં હવે પાલિકા આગામી દિવસમાં ગ્રીન વ્હીકલ પોલિસી બનાવવા જઈ રહી છે. ઈ-વ્હીકલ પોલીસીની જેમ સુરત ગ્રીન વ્હીકલ પોલીસી માટે દેશનું પહેલું શહેર બનવા જઈ રહ્યું છે. સુરત પાલિકાની સ્થાયી સમિતિમાં આજે ગ્રીન વ્હીકલ પોલીસ ડ્રાફ્ટ મંજુર કરવામાં આવ્યો છે. આ પોલીસીમાં હાઇડ્રોજન અને બાયોફ્યુઅલ વાહનો જેવી તમામ ગ્રીન વ્હીકલ ટેકનોલોજીનો સમાવેશ કરવામા આવ્યો છે. આ પોલીસીનો અમલ થતાની સાથે જ સુરત દેશમાં ગ્રીન પોલિસી અમલી કરનાર પહેલું શહેર બની જશે.
સુરત પાલિકાની સ્થાયી સમિતિએ ગ્રીન વ્હીકલ પોલીસી 2025 જાહેર કરી છે. આ પોલીસી જાહેર કર્યા બાદ સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સુરત પાલિકાએ ઈ-વ્હીકલ પોલીસી બનાવી હતી તેની સમય મર્યાદા પૂરી થઈ રહી છે હવે તેની જગ્યાએ ગ્રીન વ્હીકલ પોલીસી બનાવવામાં આવી છે. આ પોલીસી કેન્દ્ર સરકારના નેટ ઝીરો મિશન 2027 સાથે સંકલન કરશે. આ પોલીસીમાં ઈ-વ્હીકલ ઉપરાંત હાઇડ્રોજન-સંચાલિત વાહનો અને બાયોફ્યુઅલ વાહનો જેવી તમામ ગ્રીન વ્હીકલ ટેકનોલોજીનો સમાવેશ કરવામા આવ્યો છે.
તેઓએ વધુમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુરતના રસ્તા પર જે વાહન દોડે છે તેમાં 2030 સુધીમાં 50 ટકા સુધી ઈ-વ્હીકલ હોય તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સામુહિક પરિવહનમાં પણ આ નિયમ માટે ખાસ પ્રોત્સાહન કરવામાં આવશે.
લોકોને માહિતી મળે તે માટે ગ્રીન વ્હીકલ પોર્ટલ બનાવાશે
સુરત દેશની પહેલી ગ્રીન વ્હીકલ પોલીસી માટે કવાયત કરે છે તેની સાથે આ અંગે લોકોને માહિતી મળે તે માટે ગ્રીન વ્હીકલ પોર્ટલ પણ બનાવશે. આ પોલીસી હેઠળ પાલિકા વ્હીકલ ટેક્સમાં પણ 50 ટકા ટેક્સ આપવા માટે આયોજન કરી રહી છે. આ ટેક્સ માફી બાદ સુરત પાલિકાની આવકમાં ફટકો પડી શકે તેમ છે તેથી પાલિકા કેન્દ્ર સરકાર પાસે ગ્રાન્ટ માંગશે.
પોલીસીના અમલ માટે ગ્રીન વ્હીકલ સેલ બનાવાશે
ગ્રીન ઈ-વ્હીકલ પોલીસીએ શહેરમાં ઇકો-ફ્રેન્ડલી પરિવહન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે આ પોલીસીનો અમલ ઝડપી થાય અને વધુને વધુ લોકો સુધી પોલીસી પહોંચે તે માટે સુરત પાલિકાએ ગ્રીન વ્હીકલ સેલ બનાવવા માટે પણ આયોજન કર્યું છે. આ સેલમાં ગર્વનિંગ, કોર અને ટેકનિકલ કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી પોલીસના અમલીકરણ,અને સ્ટેક હોલ્ડર સંકલનનું નેતૃત્વ કરશે. સાથે સાથે સુરત ગ્રીન વ્હીકલ ફંડ અંતર્ગત મ્યુનિસિપલ ફંડ, ગ્રીન બોન્ડ, સીએસઆર અને કાર્બન ફાઇનાન્સિંગ દ્વારા નાણાંકીય સહાય પણ મળશે. આ પ્રકારની કમિટી એક મહિનામાં બનાવી દેવાશે અને કમિટી દ્વારા પોલીસના અમલ માટેની કામગીરી પણ ઝડપથી કરવામાં આવશે.
શહેરમાં 450થી વધુ પીપીપી મોડલ પર ચાર્જિંગ સ્ટેશન બનાવાશે
સુરત પાલિકાએ અગાઉની પોલીસી પ્રમાણે શહેરમાં ચાર્જીંગ સ્ટેશન બનાવ્યા છે પરંતુ તેનો ઉપયોગ નહિવત થઈ રહ્યો છે. જોકે, પાલિકાએ નવી પોલિસી જાહેર કરી છે તેમાં પીપીપી મોડલ પર 450થી વધુ ચાર્જીંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હાલમાં ચાર્જીંગ સ્ટેશનમાં ટુ વ્હીલર કે થ્રી વ્હીલર ચાર્જિંગ માટેની સુવિધા નથી તેથી પાલિકા અઠવા ઝોનમાં એક ચાર્જીંગ સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે થ્રી વ્હીલ ચાર્જીંગ પોઈન્ટ બનાવશે.
ગ્રીન વ્હીકલ માલિકોને આ લાભ પણ થશે
ગ્રીન વ્હીકલ ધરાવતા માલિકને વ્હીકલ ટેક્સમાં રાહત, પ્રથમ વર્ષે 100 ટકા, વાહન વેરા મુક્તિ, બીજા વર્ષે 75 ટકા,, ત્રીજા વર્ષે 50 ટકા અને ચોથા વર્ષે 25 ટકા મુક્તિ. ઉપરાંત પ્રથમ 2,000 ઈ-થ્રી-વ્હીલર ગુડ્સ વાહનો માટે 3,000 સહાય, પ્રથમ 1,000 ઈ-થ્રી-વ્હીલર ઓટો માટે 5,000 સહાય, પ્રથમ 100 ઈ-થ્રી-વ્હીલર પિન્ક ઓટો માટે 5,000 સહાય, પ્રથમ 200 ઈ-લાઇટ ગુડ્સ વાહનો માટે 0.5% લોન વ્યાજ સહાય (18,000ની મર્યાદા). તેમજ ગ્રીન વ્હીકલ્સ માટે મફત પાર્કિંગ અને 10% આરક્ષિત પાર્કિંગ જગ્યા, નોંધાયેલા ગ્રીન વ્હીકલ માલિકો માટે સુરત મની કાર્ડ, જે મર્યાદિત સમય માટે સીટીલિંક બસમાં રાહત દરે મુસાફરીની સુવિધા આપશે.