Get The App

સુરતમાં 30 કરોડના હીરા ચોરી કેસમાં નવો વળાંક, ફરિયાદી અને માલિક જ નીકળ્યા આરોપી, વીમો પકવવા રચ્યું હતું તરકટ

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં 30 કરોડના હીરા ચોરી કેસમાં નવો વળાંક, ફરિયાદી અને માલિક જ નીકળ્યા આરોપી, વીમો પકવવા રચ્યું હતું તરકટ 1 - image


Surat Diamond Theft Case: સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક મોટો વળાંક આવ્યો છે. આ ફરિયાદી અને ડી.કે.સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી (ડીકે મારવાડી) જ આરોપી નીકળ્યા છે. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ચોરી એક તરકટ હતું અને હકીકતમાં કોઈ હીરાની ચોરી થઈ જ નથી. દેવેન્દ્રકુમાર ચૌધરીએ આ ષડયંત્રમાં તેના બંને દીકરા પિયુષ અને ઇશાન ચૌધરીને પણ સામેલ કર્યા હતા. આ સાથે તેનો ડ્રાઇવર પણ સામેલ હતો. 

શા માટે કર્યું હતું તરકટ?

દેવેન્દ્રકુમાર ચૌધરીને દેવું વધી જતાં વીમો પકવવા માટે ચોરીનું તરકટ રચ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેણે 10 દિવસ પહેલા જ ઇન્સ્યોરન્સ રિન્યૂ કર્યો હતો. પોલીસ માટે ચોંકાવનારી વાત તો એ હતી કે, કંપનીમાં ઘૂસવા માટે ચોરો દ્વારા એક પણ તાળું તોડવામાં ન આવ્યું હતું. ત્યારે ઇન્સ્યોરન્સ રિન્યૂ કરવા અને તાળું ન તોડવા મુખ્ય બાબતના કારણે પોલીસને શંકા ગઇ હતી.

ચોરીનું તરકટ અને પ્લાનિંગ

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, 17 ઓગસ્ટ, રવિવારની રાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે.સન્સ કંપનીમાં ચોરીની ઘટના બની હતી. રાત્રિના 2 વાગ્યાની આસપાસ પાંચ ચોર બે રિક્ષા લઈને આવ્યા હતા. એક રિક્ષામાં ત્રણ અને બીજી રિક્ષામાં બે ચોર હતા, જેમની પાસે ગેસ કટર સહિતનો સામાન હતો. ચોરીને અંજામ આપ્યા બાદ તેઓ સુરત રેલવે સ્ટેશન પર રિક્ષામાંથી ઉતરીને ફરાર થઈ ગયા હતા, અને મુંબઈ કે રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ચોરીની ઘટના બાદ એક પુત્ર હાજર હતો. જ્યારે બીજો પુત્ર જોવા પણ મળ્યો ન હતો. જે પાંચ લોકો રીક્ષામાં ચોરી કરવા આવ્યા હતા, તેમાં પુત્ર પણ સીસીટીવીમાં જોવા મળ્યો હતો.

જોકે, પોલીસે કરેલી સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ચોરીનો પ્લાન કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ બનાવ્યો હતો. આ ચોરીનું તરકટ કરવા માટે પાંચ લોકોને તૈયાર કરવામાં આવ્યા હતા. ચોરીના આ નાટક માટે કુલ રૂ. 10 લાખ આપવાની વાત થઈ હતી, જેમાંથી રૂ. 5 લાખ તેમને એડવાન્સમાં ચૂકવી દેવામાં આવ્યા હતા, અને બાકીના રૂ. 5 લાખ આપવાના બાકી હતા.

વેપારીનું બેકગ્રાઉન્ડ

ડી.કે.સન્સ કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી વરાછાના ખોડિયારનગર રોડ પરના એક મોટા હીરા વેપારી છે, જે છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારમાં પોતાનો વ્યવસાય ચલાવે છે. તેમની કંપનીનું મુંબઈ અને વિદેશમાં પણ મોટું કામકાજ છે અને તેમનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 300 કરોડ જેટલું છે. હાલમાં કાપોદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવામાં મોટે ભાગે સફળતા મળી હોવાનું મનાય છે.

Tags :