Gujarat

સુરત: લગ્નમાંથી પરત ફરતો પરિવાર કાર નીચે કચડાયો, પતિ-પત્ની અને માતાનું મોત, 6 વર્ષનો માસૂમ નોંધારો

By GS TEAM
20 Apr 20262 mins read
TukuTouch Logo
સુરતના અંબિકા તાલુકાના ભોરિયા ગામની સીમમાં રવિવારે (19મી એપ્રિલ) કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની અને માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક મહિલા હવામાં 15 ફૂટ ઉછળીને ઈંટના ભઠ્ઠા પર જઈ પટકાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: લગ્નમાંથી પરત ફરતો પરિવાર કાર નીચે કચડાયો, પતિ-પત્ની અને માતાનું મોત, 6 વર્ષનો માસૂમ નોંધારો

Accident In Surat: સુરતના અંબિકા તાલુકાના ભોરિયા ગામની સીમમાં રવિવારે (19મી એપ્રિલ) કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની અને માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક મહિલા હવામાં 15 ફૂટ ઉછળીને ઈંટના ભઠ્ઠા પર જઈ પટકાઈ હતી.

લગ્ન પ્રસંગથી પરત ફરતા કાળ આંબી ગયો

મળતી માહિતી અનુસાર, અંબિકાના સાંબા ગામના મેડિયા ફળિયામાં રહેતા 31 વર્ષીય આશિષ પટેલ, તેમના 29 વર્ષીય પત્ની પારુલબેન, સાત વર્ષનો પુત્ર વેદ અને 60 વર્ષીય માતા ઉષાબેન ડોલવણ તાલુકાના પાટી ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન પતાવીને આખો પરિવાર એક જ બાઈક પર સવાર થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. વલવાડા-ભોરીયા રોડ પર ઈંટના ભઠ્ઠા પાસે સામેથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. 

આ અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે, આશિષભાઈ પટેલ, પારુલબેન અને ઉષાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે વેદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ એક મહિલા મૃતદેહ હવામાં 15 ફૂટ ઉછળીને બાજુના ભઠ્ઠા પર પટકાતા ઉપસ્થિત લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

આ પણ વાંચો: સુરતમાં નકલી ટોલનાકું! નેશનલ હાઈવેને બાયપાસ કરતાં રોડ પર લૂંટ ચલાવતી હતી ટોળકી, પોલીસ તપાસ તેજ

રોષે ભરાયેલા ટોળાએ કારચાલકને મેથીપાક આપ્યો

આ અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર કારચાલકને પકડી પાડી તેને ઢોર માર માર્યો હતો, જેમાં તે લોહીલુહાણ થયો હતો. પોલીસ ઘટનાસ્થળે હોવા છતાં લોકોનો આક્રોશ એટલો હતો કે તેમણે કલાકો સુધી કારને રસ્તા પરથી હટાવવા દીધી ન હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો.

સાંબા ગામમાં શોકનું મોજું

એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે અવસાનના સમાચાર મળતા જ સાંબા ગામમાં માતમ છવાઈ ગયો છે. હસતા-રમતા લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના ત્રણ સભ્યોની મૃતદેહ ઘરે પરત આવતા સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.