- પાલનપુરની પેઢીમાંથી હીરા ખરીદી પેમેન્ટ નહીં કરી
- દલાલે વેપારીને હીરા વેચતા તેને પૈસા આપ્યા હતા : જોકે, વેપારીને તે હીરા દલાલે છેતરપિંડીથી મેળવ્યા છે તેની જાણ નહોતી
સુરત, : પાલનપુરની પેઢીમાંથી હીરા ખરીદી પેમેન્ટ નહીં કરી ડુપ્લીકેટ હીરા પધરાવવાના પ્રકરણમાં વરાછા પોલીસે સુરતના વેપારીની એક વર્ષ બાદ ધરપકડ કરી છે. છેતરપિંડી કરનાર દલાલે હીરા વેપારીને તેમની જાણ બહાર હીરા વેચી પૈસા મેળવ્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાલનપુર ખાતે મરેડીયા જેમ્સ નામે કાકા યાકુબ દાઉદ મરેડીયાની હીરાની પેઢીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે નોકરી કરતા ઉસ્માનભાઈ હબીબભાઈ કડીવાલા ( ઉ.વ.55, રહે. માડીયા રેસીડન્સી, આદર્શ હાઉસ્કુલની બાજુમાં, બસુગામ, તા. વડગામ, જી.બનાસકાંઠા ) સુરત-મુંબઇમાં હીરા લે-વેચનું કામ કરે છે. ઉસ્માનભાઈ ગત માર્ચ 2021 માં દલાલ આશિષ સાથે વાત કરી સુરતમાં હીરા વેચવા વરાછાના ડાયમંડ વર્લ્ડમાં દલાલની ઓફિસે આવ્યા હતા. પરંતુ ત્યાં આશિષને બદલે મળેલા ઉમેશ ભટ્ટીને ઉસ્માનભાઈએ 121.76 કેરેટના હીરા બતાવ્યા હતા અને તે ઉમેશને પસંદ આવ્યા હતા.ઉમેશે બીજા દિવસે ઉસ્માનભાઈ પાસેથી રૂ.38.26 લાખના હીરા ખરીદવાનું નક્કી કર્યુ હતું. ઉમેશે હીરાના પેકેટ લઇ પેમેન્ટ આરટીજીએસ કરવાનું કહ્યું હતું. પરંતુ ત્યાર બાદ ઉમેશે મારી પાસે પેમેન્ટ રેડી નથી એમ કહી હીરાના પેકેટ પરત આપી દીધા હતા અને રૂપિયાની વ્યવસ્થા થાય એટલે હીરા લઇ જશે એમ કહ્યું હતું.
ઉસ્માનભાઈએ હીરાના પેકેટ ચેક કરતા તેમાં હીરા ડુપ્લીકેટ હતા અને તેનું વજન વધારે હતું. આથી ઉસ્માનભાઈએ ઉમેશની શોધખોળ કરી હતી પરંતુ તેનો પત્તો નહીં મળતા ઉમેશ મનસુખભાઇ ભટ્ટી અને દલાલ આશિષ વિરુદ્ધ ગત 11 એપ્રિલ 2021 ના રોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે અગાઉ ઉમેશ અને આશિષની ધરપકડ કરી હતી. જયારે તે સમયે દલાલ આશિષ પાસેથી હીરા ખરીદી તેને પૈસા આપનાર હીરા વેપારી નરેશભાઈ બાવચંદભાઈ કોરાટ ( ઉ.વ.48, રહે.4, ગંગેશ્વર સોસાયટી, હીરાબાગ, કાપોદ્રા, સુરત. મૂળ રહે.મોટા ચારોડીયા, તા.ગારીયાધાર, જી.ભાવનગર ) ની ગતરોજ ધરપકડ કરી બાદમાં જામીનમુક્ત કર્યા હતા.જોકે, વેપારીને તે સમયે હીરા દલાલે હીરા છેતરપિંડીથી મેળવ્યા છે તેની જાણ નહોતી.


