સુરત: ગણેશ ચતુર્થી પહેલાનો વીક એન્ડ ગણેશ આગમન માટે ફેવરિટ બન્યો
આગામી દિવસોમાં ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે સુરતના ગણેશ ભક્તોમાં અનેરો માહોલ જોવા મળી રહ્યાં છે. તેમાં પણ ગણેશ ચતુર્થી પહેલાના વીક એન્ડમાં સુરત ગણપતિ મય બની ગયું હતું. શનિ- રવિ સુરતમાં વરસાદ અને પવન નો માહોલ હોવા છતાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગણેશ આયોજકો દ્વારા આગમન યાત્રા નીકળી હતા. શહેરમાં મોટી સંખ્યામાં શોભાયાત્રા નિકળી હોવાથી અનેક જગ્યાએ ટ્રાફિક જામ જેવો માહોલ સર્જાયો હતો.
સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ગણેશ ચતુર્થી પહેલા ગણેશ આગમન નો જશ્ન જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં 80 હજારથી વધુ ગણેશજીની પ્રતિમા ની સ્થાપના કરવામા આવે છે. થોડા સમય પહેલા સુરતમાં ગણેશ વિસર્જન માટે ભારે ધામધુમ કરવામાં આવતી હતી પરંતુ કેટલાક પ્રતિબંધને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશ આગમનનો ટ્રેન્ડ શરુ થયો છે અને તે દિવસેને દિવસે વધી રહ્યો છે.
આ વીકએન્ડમાં સુરતમાં ગણેશ આગમન માં ભારે ઝાકમઝોળ જોવા મળી હતી. સુરતમાં આમ તો 9 ફૂટથી મોટી પ્રતિમા પર પ્રતિબંધ છે પરંતુ આ વર્ષે નાની મંગલ મૂર્તિ સાથે 25 ફૂટ કરતા પણ મોટી પ્રતિમા શોભાયાત્રામાં જોવા મળી હતી.
સુરતના કોટ વિસ્તારના અનેક ગણપતિજીની પ્રતિમા ડી કે એમ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી હતી. ત્યારબાદ રાત્રીના સમયે બેન્ડ, ડીજે. અને ઢોલ નગારાના તાલે લાઈટીંગ સાથે આગમન યાત્રા કાઢવામાં આવી હતી. સુરતના જુદા જુદા વિસ્તારમાં ડીકેએમ હોસ્પિટલથી આગમન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે ગણેશ ભક્તો ઝુમી ઉઠ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વરસાદ અને પવન છતાં ગણેશ ભકતોમાં શ્રદ્ધા ડગી ન હતી અને દબદબાભેર આગમન યાત્રા કાઢવામાં આવી હતી.
માત્ર મોટી પ્રતિમા ની શોભાયાત્રા નહી પરંતુ રહેણાંક સોસાયટીમાં પણ આગમન યાત્રા નીકળી હતી. સોસાયટીના નાના બાળકોએ મંગલ મૂર્તિ ની સ્થાપના કરી છે તેઓએ પણ સોસાયટીઓમાં આગમન યાત્રા કાઢી હતી.