સુરતમાં કાપડના વેપારીની હત્યા કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત
Surat Murder Case : સુરતના લિંબાયતમાં થોડા દિવસ અગાઉ કાપડના વેપારી આલોક અગ્રવાલની હત્યા કેસમાં સુરત પોલીસ વાપીના ડુંગરા પહોંચી આરોપીને પકડી પાડયો હતો. જો કે પોલીસે છાપો મારતા જ આરોપીએ પોલીસ પર હુમલો કરતા જ પોલીસે એક રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપી ઘાયલ થયો હતો. આરોપીની વાપીની હોસ્પિટલમાં સારવાર કરાવી સુરત લઇ જવાયો હતો. આરોપીની ધરપકડ થતા અન્ય આરોપીઓના નામો ખુલશે.
સુરતના લિંબાયત વિસ્તારમાં ડુંભાલ ફાયર સ્ટેશન નજીક 2 ઓગસ્ટના રોજ કાપડના વેપારી આલોક અગ્રવાલની હત્યા કરાઇ હતી. કાપડ દલાલની હત્યાને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે ગુનો નોંધી ઘટના સ્થળ સહિતના અનેક સ્થળો પર લગાવેલા કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા. પોલીસે આરોપી અસ્ફાક શેખ સુધી પહોંચવા ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સઘન તપાસ શરૂ કરી હતી. સુરત ડીસીબીના પી.આઇ જે.એન.ગોસ્વામી અને ટીમ મુખ્ય આરોપી અસ્ફાક અંગે મળેલી માહિતિના આધારે શનિવારે રાત્રે વાપીના ડુંગરા વિસ્તારમાં પહોંચી હતી.
પોલીસે ડુગરામાં આરોપીના સાળાના મકાનમાં છાપો માર્યો હતો. જેને પગલે અસ્ફાકે પકડાઇ જવાના ડરે પોલીસ પર છરા વડે હુમલો કરતા જ પોલીસે એક રાઉન્ડ ફાયરિંગ કરતા અસ્ફાકને પગમાં ઇજા પહોંચી હતી. આરોપીને વાપીની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવી સુરત લઇ જવાયો હતો. મુખ્ય અસ્ફાક શેખ પકડાતા હત્યામાં સંડોવાયેલા અન્ય આરોપીના નામો પણ ખુલશે. આરોપીને કાપડ દલાલે તમાચો ચોડી દેતા અદાવત રાખી સાગરિતો સાથે મળી હત્યા કરી હતી.