સગીર વિદ્યાર્થીને લઇ ભાગેલી સુરતની શિક્ષિકાએ વડોદરાના ગેસ્ટહાઉસમાં સબંધ બાંધ્યાે,ભાણેજની ઓળખ આપી
વડોદરા પોલીસની સતર્કતાને કારણે શિક્ષિકા ને પકડવામાં સુરત પોલીસ સફળ રહી
વડોદરાઃ સુરતના ૧૩ વર્ષના વિદ્યાર્થીને લઇ ભાગી છૂટેલી શિક્ષિકાના પ્રેમ પ્રકરણમાં વડોદરા કનેક્શન ખૂલતાં સુરત પોલીસે વડોદરાના ગેસ્ટહાઉસમાંથી પુરાવા એકત્રિત કર્યા છે.
સુરતના પરવટ પાટિયા પાસે રહેતી ૨૩ વર્ષીય વયની શિક્ષિકા માનસી નાઇ તેના ટયુશનમાં આવતા ૧૩ વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી છૂટી હોવાના બનાવને પગલે ભારે ચકચાર મચી છે.સુરત પોલીસે બંનેને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડતાં શિક્ષિકા ગર્ભવતી હોવાની માહિતી ખૂલી હતી.
દરમિયાનમાં સુરતની પૂના પોલીસ સ્ટેશનના પીઆઇ વિક્રમ દેસાઇ અને ટીમે સગીર વિદ્યાર્થી અને શિક્ષિકાની પૂછપરછ કરતાં વડોદરા કનેક્શન ખૂલ્યું હતું.બંને જણા સુરતથી બસમાં વડોદરા આવ્યા હતા અને અલકાપુરીના અગ્રસેન ગેસ્ટ હાઉસમાં રોકાયા હોવાની વિગતો બહાર આવી હતી.
શિક્ષિકાએ ગેસ્ટહાઉસમાં મોડી સાંજે એક રૃમ બૂક કરાવ્યો હતો અને પોતાના ફોટાવાળું આઇકાર્ડ રજૂ કરી તેની સાથે આવેલા વિદ્યાર્થીની ઓળખ પોતાના ભાણીયા તરીકે આપી હતી અને સવારે પાવાગઢ જવાનું કારણ આપ્યું હતું.અહીં તેમણે સબંધ પણ બાંધ્યા હોવાની વિગતો કબૂલી છે.જેથી સુરત પોલીસે ગેસ્ટહાઉસમાંથી સીસીટીવી ફૂટેજ તેમજ રજિસ્ટરમાં એન્ટ્રી સહિતના પુરાવા એકત્રિત કર્યા છે.
પોલીસને ચકમો આપવા શિક્ષિકાએ બદલેલો નંબર વડોદરા પોલીસે શોધી આપ્યો
સુરત પોલીસને ચકમો આપવા માટે શિક્ષિકાએ પોતાનો મોબાઇલ નંબર બદલી નાંખ્યો હતો.
વડોદરાના ગેસ્ટહાઉસમાં રોકાયેલી શિક્ષિકાએ પોતાના ઓળખપત્રની સાથે બદલેલો નવો મોબાઇલ નંબર પણ રજૂ કરવો પડયો હતો.
બીજીતરફ શિક્ષિકા અને વિદ્યાર્થી સુરતથી વડોદરા જતી બસમાં બેઠા હોવાના ફૂટેજ મળતાં સુરત પોલીસે સયાજીગંજના પીઆઇ ઝેડ એન ધાસુરાને જાણ કરી હતી.જેથી ડી સ્ટાફના પીએસઆઇ ડીવી ગોહિલ અને ટીમે બસ ડેપોથી સીસીટીવી ફૂટેજ તપાસતાં બંને જણા રિક્ષામાં અગ્રસેન ગેસ્ટહાઉસમાં ઉતરતા દેખાયા હતા.જો કે પોલીસ પહોંચે તે પહેલાં તેઓ નીકળી ગયા હતા.પરંતુ શિક્ષિકાનો નવો નંબર મળી આવ્યો હતો.જે નંબર સુરત પોલીસને આપતાં પોલીસ શિક્ષિકા સુધી પહોંચી હતી.