સુરતના અમરોલીમાં 33 વર્ષની શિક્ષિકાનો આપઘાત, સાસરિયાના ત્રાસનો આરોપ
Surat Crime News: સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. 33 વર્ષીય આરતી નારોલા નામની પરિણીતાએ પતિ અને સાસરિયાંના માનસિક ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનો આરોપ સાથે અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આરતીના લગ્ન પાંચ વર્ષ પહેલાં નિલેશ નારોલા સાથે થયા હતા, જે સરથાણા વિસ્તારમાં ફિઝિયોથેરાપી ક્લિનિક ચલાવે છે. લગ્ન બાદથી જ આરતી અને નિલેશ વચ્ચે નાની-નાની બાબતોમાં ઝઘડા થતા હતા. આ ઉપરાંત, આરતીના પરિવારજનોનો આરોપ છે કે તેની સાસુ, સસરા અને નણંદ પણ તેને ત્રાસ આપતા હતા.
આ ત્રાસથી કંટાળીને આરતીએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ આરતીના પરિવારના સભ્યોએ અમરોલી પોલીસ સ્ટેશનમાં સાસરિયાં વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.