Gujarat

સુરત મનપામાં 'અફસરશાહી': ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું

By GS TEAM
13 May 20262 mins read
TukuTouch Logo
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં અધિકારીઓ અને શાસક પક્ષ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ઝોનલ ચીફ સ્વાતિ દેસાઈ અને ઝોનલ ઓફિસર ભૈરવ દેસાઈએ શહેર ભાજપ પ્રમુખની સૂચનાને અવગણી, ફોન બંધ કરી દઈને એક ચોક્કસ બાંધકામ પર બુલડોઝર ફેરવી દેતા પાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત મનપામાં 'અફસરશાહી': ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું

Surat News: સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં અધિકારીઓ અને શાસક પક્ષ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ઝોનલ ચીફ સ્વાતિ દેસાઈ અને ઝોનલ ઓફિસર ભૈરવ દેસાઈએ શહેર ભાજપ પ્રમુખની સૂચનાને અવગણી, ફોન બંધ કરી દઈને એક ચોક્કસ બાંધકામ પર બુલડોઝર ફેરવી દેતા પાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રમુખની ભલામણ અને અધિકારીઓની ‘ચોક્કસ ગણતરી’

મળતી વિગતો મુજબ, ઉધના વિસ્તારના લક્ષ્મીનારાયણ એસ્ટેટના એક પ્લોટમાં વધારાના એક માળના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે અધિકારીઓને સૂચના આપી હતી કે આસપાસના વિસ્તારમાં પણ 3 થી 4 માળના ગેરકાયદે બાંધકામો છે, તેથી યોગ્ય તપાસ કરીને જ આગળની કાર્યવાહી કરવી. જોકે, ઝોનના બંને અધિકારીઓએ ભાજપ પ્રમુખની વાત સાંભળવાને બદલે ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા અને નિર્ધારિત પ્લોટમાં ડિમોલિશન કરી નાખ્યું હતું.

વિજિલન્સના 65 પત્રો ધૂળ ખાય છે, પણ એક જ પ્લોટ પર કેમ ટાર્ગેટ?

આ વિવાદાસ્પદ ડિમોલિશન બાદ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વિજિલન્સ વિભાગે છેલ્લા એક વર્ષમાં ઉધના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો બાબતે ઝોનને અંદાજે 65 જેટલા પત્રો લખ્યા હતા. જેમાં લક્ષ્મીનારાયણ એસ્ટેટના 13 પ્લોટ અને ભગવતી એસ્ટેટના 6 પ્લોટની સ્પષ્ટ યાદી આપવામાં આવી હતી. આમ છતાં, અધિકારીઓએ બાકીના બાંધકામો સામે આંખ આડા કાન કરી માત્ર એ જ પ્લોટને નિશાન બનાવ્યો જ્યાં શહેર પ્રમુખની ભલામણ હતી. આ બાબત અધિકારીઓની 'ચોક્કસ ગણતરી' હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

સ્વાતિ દેસાઈની કાર્યશૈલી સામે ઉઠતા સવાલો

ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈ અગાઉ સેક્રેટરી વિભાગમાં કાર્યરત હતા અને રાજકીય વગથી અહીં સુધી પહોંચ્યા હોવાનું કહેવાય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ શાસક પક્ષના કોર્પોરેટરો કે સંગઠનના નેતાઓના ફોન ઉઠાવતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. સામાન્ય સભામાં પણ વિપક્ષ અને શાસક બંનેએ આવા અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી. ભૂતકાળમાં પણ તેમને ઝોનની જવાબદારી સોંપાઈ હતી, પરંતુ તેઓ ટૂંકા ગાળામાં જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હતા. હાલમાં તેમણે રાજીનામું આપીને ફરી પાછું ખેંચવાનું 'ત્રાટક' કરી ભારે નાટકીય માહોલ ઉભો કર્યો હતો.

આ પણ વાંચો: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ

હવે શું? મનપા કમિશનર પગલાં લેશે?

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ઝોનલ ચીફ અને ઝોનલ ઓફિસરને ઝોનની જવાબદારીમાં રસ નથી, તેથી તેઓ જાણીજોઈને શાસકોની સૂચનાની અવગણના કરી રહ્યા છે. ભાજપ પ્રમુખની ભલામણ છતાં વિજિલન્સના નામે ડિમોલિશન કરનાર આ જોડી હવે બાકીના 65 પત્રોમાં દર્શાવેલ ગેરકાયદે બાંધકામો તોડવાની હિંમત બતાવશે કે કેમ? તે જોવું રહ્યું. શું પાલિકા તંત્ર આવા હઠીલા અધિકારીઓ પાસેથી ઝોનની જવાબદારી પરત લેશે? તે સવાલ હાલ સુરતના રાજકારણમાં કેન્દ્રસ્થાને છે.