સુરત-શારજાહ ફ્લાઇટ એકાએક રદ કરાતા એરપોર્ટ પ્રવાસીઓનો મોડીરાત સુધી હંગામો
ફ્લાઇટ શારજાહથી સુરત આવી પણ ટેકનીકલ ખામીને લીધે ઉપડી નહીઃ 10 ગાડીમાં પ્રવાસીઓને મુંબઇ મોકલી વ્યવસ્થા કરાઇ
સુરત,તા.13 જાન્યુઆરી,2020 ગુરુવાર
સુરતથી શારજાહની ફલાઈટ ગઈ રાતના એકાએક રદ કરવામાં આવતાં એરપોર્ટ ઉપર પ્રવાસીઓએ હોબાળો મચાવવામાં આવ્યો હતો. ફલાઈટ શારજાહથી જ આવી નહોતી. હોબાળો મોડી રાત સુધી ચાલ્યો હતો, જેમાં આખરે કેટલાક પ્રવાસીઓને રિફંડ, તો કેટલાકને વાહનની વ્યવસ્થા કરીને મુંબઈથી ફલાઈટની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી હતી. ટેકનીકલ ખામીને કારણે ફ્લાઈટ રદ્દ થઇ હોવાનું જણાવાય છે.
શારજાહથી 23થ4 સુરત આવતી આ ફ્લાઇટ 45 મિનિટના રોકાણ બાદ રાતે 12.30 કલાકે શારજાહ માટે ઉપડે છે. કાલે રાતે ફ્લાઇટ સુરત આવી હતી પરંતુ ઉપડી શકી નહોતી. ફ્લાઇટ રદ કરવામાંં આવી હોવાનું જાહેર થતાં ટર્મિનલમાં ઉપસ્થિત પ્રવાસીઓએ ભારે હોબાળો મચાવવાનું શરુ કર્યું હતું. પ્રવાસીઓનો હોબાળો મોડી રાત સુધી ચાલ્યો હતો.
જોકે, હોબાળો વધતાં અધિકારીઓ દોડી આવ્યાં હતાં અને મામલો થાળે પાડયો હતો. ફલાઈટ શારજાહથી જ આવી નહિ હોવાથી કશું થઈ શકે તેમ નહોતું જોકે, શારજાહ જવા ઈચ્છતા પ્રવાસીઓને મુંબઈથી આગળનો પ્રવાસ ગોઠવી આપવામાં આવ્યો હતો અને તેઓને મુંબઈ જવા માટે અહીંથી 10 જેટલી ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી
પ્રવાસીઓને વિરોધ એટલાં માટે વધ્યો હતો કે ફલાઈટ પકડવા માટે બોર્ડિંગ લીધા પછી અંદર આવ્યા બાદ ફ્લાઇટ રદ કરવાની જાહેરાત થઇ હોવાથી પ્રવાસીઓ અકળાયાં હતાં. જે પ્રવાસીઓ રિફંડ ઇચ્છતા હતા તેઓને રિફંડ આપી દેવામાં આવ્યુંં હતું અને જેવો સુરતથી શારજાહ જવા ઈચ્છતા હતા તેઓને રવિવારની ટિકિટ આપવામાંં આવી હતી. તેઓને સુરતમાં હોટલમાં રહેવાની વ્યવસ્થા પણ ગોઠવી આવી હતી.
સુરત એરપોર્ટ ઉપર સુરત શારજાહની ફલાઈટ રદ થઇ હોવાના કિસ્સા અગાઉ પણ બન્યા છે. સુરત થી બહાર જવા માટેની સીધી ફ્લાઈટ ને કારણે પ્રવાસીઓ દ્વારા આનો લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. ગત ડિસેમ્બર દરમિયાન ફ્લાઇટને 83 ટકા પ્રવાસીઓ મળ્યાં છે. સુરતથી શારજાહ માટેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર દિવસ છે.