Get The App

સુરતમાં શિક્ષણનો ઉત્સવ : નાના ભૂલકાઓને આંગળી પકડી શાળામાં પ્રવેશ અપાયો

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
સુરતમાં શિક્ષણનો ઉત્સવ : નાના ભૂલકાઓને આંગળી પકડી શાળામાં પ્રવેશ અપાયો 1 - image

Surat : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026’નો આજે હર્ષોલ્લાસભેર પ્રારંભ થયો હતો. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં નવા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક, શુભ પગલાં અને પુષ્પવર્ષા સાથે આવકારવામાં આવ્યા હતા. ધોરણ-1માં પ્રવેશ મેળવનારા બાળકો અને તેમના વાલીઓ માટે આ દિવસ યાદગાર બની રહે તે માટે અનેક શાળામાં ખાસ સેલ્ફી ઝોન ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં બાળકો, વાલીઓ અને મહાનુભાવોએ સેલ્ફી લઈ યાદગીરીઓ સાચવી હતી.

પ્રથમ દિવસે શહેરના 87 ભવનોમાં આવેલી 118 પ્રાથમિક તેમજ 25 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમોમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર, રાજ્યસભાના સાંસદ ધારાસભ્યો, નગરસેવકો, શિક્ષણ સમિતિના પદાધિકારીઓ અને વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.  

પ્રવેશોત્સવ દરમિયાન આ વર્ષે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલી સૌથી અનોખી પહેલ સેલ્ફી ઝોન રહી હતી. ધોરણ-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે શાળા પરિસરમાં ખાસ સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા.     યુનિફોર્મમાં સજ્જ નાનાં ભૂલકાઓએ વાલીઓ, શિક્ષકો અને મહાનુભાવો સાથે ફોટોગ્રાફ્સ પડાવ્યા હતા. ઘણા સ્થળોએ બાળકોને કુમકુમના પગલાંની યાદગીરી સાથે સેલ્ફી પણ આપવામાં આવી હતી. જેના કારણે પ્રવેશનો પ્રથમ દિવસ માત્ર શૈક્ષણિક પ્રક્રિયા નહીં પરંતુ પરિવાર માટે એક ભાવનાત્મક અને યાદગાર પ્રસંગ બની ગયો હતો.

સુરતમાં શિક્ષણનો ઉત્સવ : નાના ભૂલકાઓને આંગળી પકડી શાળામાં પ્રવેશ અપાયો 2 - image

100 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન, અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા

પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન શાળાઓમાં વર્ષ દરમિયાન 100 ટકા હાજરી નોંધાવનારા વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ ક્રમ મેળવનારા તથા બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને પણ અભિનંદન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શિક્ષણ સમિતિના અધિકારીઓના જણાવ્યા મુજબ આવા વિદ્યાર્થીઓનું જાહેર સન્માન થવાથી અન્ય વિદ્યાર્થીઓમાં પણ નિયમિત અભ્યાસ અને શાળામાં હાજરી પ્રત્યે પ્રેરણા વધે છે. પરિણામે શિક્ષણની ગુણવત્તા અને શૈક્ષણિક વાતાવરણ બંને મજબૂત બનાવવામાં મદદ મળે છે.

પ્રવેશોત્સવ સાથે વૃક્ષારોપણ, બાળકોને પર્યાવરણનો પાઠ

પ્રવેશોત્સવ ની ઉજવણી સાથે શહેરના અનેક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહાનુભાવોએ મળીને વૃક્ષો વાવી હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણનો સંદેશ આપ્યો હતો. શિક્ષણ સાથે પર્યાવરણ પ્રત્યે જવાબદારીનું ભાન બાળકોમાં બાળપણથી જ વિકસે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણના પ્રથમ દિવસે જ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો