Get The App

સુરત આપઘાત કેસમાં મોટો ખુલાસો : પત્નીના અફેરથી કંટાળી બે પુત્ર સાથે શિક્ષકે કર્યો હતો આપઘાત

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
સુરત આપઘાત કેસમાં મોટો ખુલાસો : પત્નીના અફેરથી કંટાળી બે પુત્ર સાથે શિક્ષકે કર્યો હતો આપઘાત 1 - image

Surat Teacher Self Destruction Case : સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં શિક્ષક દ્વારા બે પુત્રો સાથે આપઘાત કરવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક શિક્ષકે પત્નીના અફેરથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું હતું. મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટ અને તેના મોબાઈલ ફોનની ચેટ્સના આધારે પોલીસે આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મૃતકના 10 વર્ષ પહેલા પ્રેમલગ્ન થયા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેના લગ્નજીવનમાં તણાવ ચાલી રહ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકે પોતાના બંને પુત્રોને સોડામાં ઝેરી દવા ભેળવીને પીવડાવી હતી, અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે મૃતકની પત્ની અને અન્ય સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરી હતી અને બાદમાં મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: સુરતમાં આપઘાતની વધુ એક ઘટના: શિક્ષકે બે પુત્રો સાથે જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ

શું હતો સમગ્ર મામલો?

સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં ગુરૂવારે અત્યંત કરુણ ઘટના સામે આવી હતી. સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી (ઉં.વ. 41) મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની હતા, અને હાલ સુરતમાં પરિવાર સાથે રહેતા હતા. મૃતક શિક્ષક અલ્પેશભાઈ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને ક્રિશિવ અલ્પેશભાઈ સોલંકી (ઉ.વ. 8)  પુત્ર સાથે આપઘાત કરી લીધો હતો. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા, જ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.