તહેવારમાં ઘરની મીઠાઈ, રોજગારીનો નવી દિશા : મોંઘવારી અને ભેળસેળથી બચવા સુરતીઓ હોમમેઇડ મીઠાઈ તરફ વળ્યા
Surat : સુરત શહેરમાં છેલ્લા કેટલાક વખતથી ખાણી પીણીમાં ભેળસેળની વાત બહાર આવી રહી છે અને દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે તેની અસર તહેવારો પર પણ જોવા મળી રહી છે. તહેવારોમાં બજારમાં મળતી મોંઘીદાટ મીઠાઈને બદલે હોમ મેઈડ મીઠાઈનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેના કારણે અનેક મહિલાઓ અને સામાજિક સંસ્થાઓએ મીઠાઈ બનાવવાનું શરૂ કરતાં તેમને રોજગારી મળી રહી છે. મોંઘવારી અને ભેળસેળથી બચવા સુરતીઓ હોમમેઇડ મીઠાઈ તરફ વળ્યા હોવાથી તહેવારોમાં અનેકને આવકનો નવો સ્ત્રોત ઉભો થયો છે.
આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે આ ભાઈ બહેનના પ્રેમના આ તહેવારમાં મીઠાઈનું અનેરુ મહત્વ છે પરંતુ માર્કેટમાં મીઠાઈની દુકાનોમાં મળતી મીઠાઈ ગરીબ-મધ્યમ વર્ગના લોકોના ખિસ્સાને પોસાય તેમ નથી. આ ઉપરાંત સુરત શહેરમાં ફૂડ વિભાગની કામગીરી દરમિયાન બનાવટી ધી, બનાવટી માવો, બનાવટી પનીર સહિતની અનેક વસ્તુઓ બનાવટી હોવાનું સાબિત થયું છે. છેલ્લા દોઢ વર્ષમાં તો પાલિકાએ લીધેલા નમૂનામાંથી 9 નમૂના અનસેફ એટલે કે ખાવા લાયક ન હોવાનું બહાર આવ્યું છે. મીઠાઈની બનાવટમાં ઘી અને માવો સૌથી મહત્વનું પરિબળ છે પરંતુ તે પણ બનાવટી હોવાનું બહાર આવ્યું છે અને સાથે બજારમા મળતી મીઠાઈની કિંમત પણ સતત વધી રહી છે તેના કારણે તહેવારની ઉજવણી પર અસર જોવા મળી રહી છે.
તહેવાર પ્રિય સુરતીઓ રક્ષાબંધન સહિત અનેક તહેવારોની ઉજવણી મીઠાઈ સાથે કરી રહ્યાં છે પરંતુ હવે મોંઘવારી અને ભેળસેળથી બચવા હોમમેઇડ મીઠાઈ તરફ વળ્યા છે. જેનો સીધો ફાયદો ઘરે મિઠાઈ બનાવતી મહિલાઓ અને સામાજિક સંસ્થાઓને થઈ રહ્યો છે. શહેરમાં અનેક સામાજિક સંસ્થાઓ તહેવાર દરમિયાન સામુહિક મીઠાઈ બનાવી રાહતદરે વેચાણ કરે છે. તો બીજી તરફ ઘરે મિઠાઈ બનાવતી મહિલાઓ પણ ઓર્ડરથી મીઠાઈઓ બનાવી રહી છે અને તેનું વેચાણ કરી રહી છે. આમ મોંઘવારી અને ભેળસેળને કારણે અનેક મહિલાઓ અને સામાજિક સંસ્થાઓ માટે મીઠાઈ બનાવી વેચાણ કરી આવકનો નવો સ્ત્રોત મળી ગયો છે.
સોશિયલ મીડિયા મારફતે હોમ મેઈડ મીઠાઈનો થાય છે ધંધો
સુરતમાં વેચાતી મીઠાઈના ભાવ આસમાન પર જઈ રહ્યાં છે અને લોકોને ભેળસેળનો ડર પણ સતાવી રહ્યો છે જોકે, લોકો તહેવારમાં ભેળસેળ પસંદ કરતા ન હોવાથી બજારની મીઠાઈને બદલે પોતાના આરોગ્ય અને ખિસ્સા ખર્ચ પણ જળવાઈ રહે તે માટે હોમ મેઈડ મીઠાઈ પસંદ કરી રહ્યાં છે. સુરતના ઘણા વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ અને મહિલા મંડળો સમૂહમાં મીઠાઈ બનાવવાનું આયોજન કરી રહી છે. પેંડા, બરફી, હલવા, કાજુ કતરી ઉપરાંત ઘઉંના લાડુ, મોહનથાળ, ડ્રાયફ્રુટ બરફી, રવાના લાડુ જેવી પરંપરાગત વાનગીઓ ફરીથી લોકપ્રિય બની રહી છે. માર્કેટમાં વેચાતી મીઠાઈની કિંમત ઘણી વખત સામાન્ય વર્ગની ખરીદી બહાર હોય છે. ત્યારે ઘરેથી બનેલી મીઠાઈ માત્ર આર્થિક રીતે સસ્તી હોવા સાથે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ વધુ સુરક્ષિત હોવાનું લોકો માને છે. સામાજિક સંસ્થા કે મહિલાઓ તહેવારમાં હોમ મેઈડ મીઠાઈ બનાવે છે તેનો ઓર્ડર મોટા ભાગે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આમ મનોરંજન માટેનું સોશિયલ મીડિયા અનેક મહિલાઓ માટે આવક મેળવવાનું સાધન બની રહ્યું છે.