ભેળસેળ સામે સુરતીઓનો ઉપાય : હોમ મેડ ઘારીનો ટ્રેન્ડ
Surat: સુરત શહેરમાં ચંદની પડવાની તૈયારી શરૂ થતાં જ મીઠાઈ બજારમાં ઘારીનો માહોલ ગરમાયો છે. પરંતુ ઘી, માવો અને ડ્રાયફ્રુટમાં ભેળસેળના સતત વધતા કિસ્સાઓએ સુરતીઓને વિચારતા કર્યા છે. તહેવારની મીઠાશ ભેળસેળના કારણે ખારું ન થાય તે માટે હવે સુરતીઓએ વિકલ્પરૂપે હોમ મેડ ઘારી બનાવવા નો રસ્તો શોધી કાઢ્યો છે. સતત ભેળસેળ બહાર આવતા ટેસ્ટી ફૂડ બનાવનારા માટે સાઈડ બિઝનેસ ખુલ્લો થયો છે અને સુરતીઓને ભેળસેળ વિનાની ઘારી મળતી થઈ છે.
આગામી ચંદની પડવામાં સુરતીઓની પોતિકી મીઠાઈ ઘારીની બોલબાલા સુરત સહિત વિશ્વમાં જોવા મળે છે. પરંતુ સુરતમાં સમયાંતરે બનાવટી ઘી ઝડપાઈ રહ્યું છે અને ગુજરાતમાં માવો પણ નકલી મળી આવ્યો છે. આ ઉપરાંત અનેક ખાદ્ય સામગ્રીમાં ભેળસેળને કારણે સુરતીઓ ધંધાદારી બનતી ધારી સામે અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યાં છે. જોકે, સુરતીઓએ આ ભેળસેળથી બચવા માટે નવો જ ઉપાય શોધ્યો છે તે છે હોમ મેડ ઘારીનો.
હોમ મેડ ધારી બનાવતા શૈલૈષ કાપડીયા કહે છે, કોરોના પહેલા ટ્યુશન ક્લાસ ચલાવતા હતા પણ ક્લાસીસ બંધ થતા તેઓએ વાનગી પર હાથ અજમાવ્યો હતો. પહેલાથી પતિ પત્ની બન્નેને રસોઈ અને મીઠાઈ બનાવવામાં એક્સપર્ટ હતા તેથી તહેવારમાં મીઠાઈ બનાવવા અને ચંદી પડવા માં ધારી બનાવવાનું શરૂ કર્યું હતું અને ગ્રાહકોને પસંદ આવી જેથી હવે ધંધો જામી રહ્યો છે.
રાઘા ખીચડાવાલા કહે છે, અગાઉ મીઠાઈ બનાવતા હતા પરંતુ ગ્રાહકોની ડીમાન્ડના કારણે હાલમાં ઘરે ઘારી બનાવવાનું શરુ કર્યું છે કાયમી ગ્રાહકના ઓર્ડર હાલ મળ્યા છે તેથી તેઓ જે ટેસ્ટમાં કહે તે ઘારી બનાવી આપીએ છીએ. હોમ મેડ ઘારી બનાવતા યોગીતાબેન કહે છે, અમારી પાસે ઘારી અને અન્ય મીઠાઈનો ઓર્ડર આવે છે અને અમે તે ઘરે બનાવડાવીએ છીએ. તેઓ કહે છે, બજારમાં કદાચ ભેળસેળવાળી સામગ્રી મળે છે પરંતુ અમે જાતે ચકાસણી કરી સામગ્રી લાવીએ છીએ તેથી ભેળસેળનો સવાલ રહેતો નથી અને અમે ગ્રાહકોને ભેળસેળ વિનાની ધારી આપીએ છીએ।.
આમ સુરતમાં ભેળસેળ વાળા ઘી અને અન્ય સામગ્રી આક્રમક વચ્ચે હોમ મેડ ઘારી નવી ઓળખ બની રહી છે. ઘણા ગ્રાહકો હવે મોટી મીઠાઈ દુકાન કરતા ઘરેલુ ધારી પસંદ કરી રહ્યા છે. આ નવો ટ્રેન્ડ એક તરફ સુરતીઓને શુદ્ધતા અને વિશ્વાસ આપી રહ્યો છે તો બીજી તરફ ગૃહિણીઓ માટે આત્મનિર્ભરતા તરફનું નવું પગલું સાબિત થઈ રહ્યું છે. અને સુરતની આ નવી પહેલ માત્ર ભેળસેળ સામે જવાબ નથી, પરંતુ મહિલા શક્તિ અને સ્વરોજગારની દિશામાં ઉદાહરણ પણ બની રહી છે.