Gujarat

સુરત: રાંદેર ઝોનમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને પાલિકાના નબળા સુપરવિઝનથી લોકોના જીવ જોખમમાં

By GS TEAM
21 May 20262 mins read
TukuTouch Logo
સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાલ વિસ્તારમાં પાણીની લાઈન લીકેજનું રીપેરીંગ કર્યા બાદ કામ અધૂરું છોડી દેવાતાં સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પર ખાડો યોગ્ય રીતે પૂરવાને બદલે માટી અને મટીરીયલના મોટા ઢગલા ખડકીને એજન્સી રફુચક્કર થઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: રાંદેર ઝોનમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને પાલિકાના નબળા સુપરવિઝનથી લોકોના જીવ જોખમમાં

Surat Municipal Corporation: સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાલ વિસ્તારમાં પાણીની લાઈન લીકેજનું રીપેરીંગ કર્યા બાદ કામ અધૂરું છોડી દેવાતાં સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પર ખાડો યોગ્ય રીતે પૂરવાને બદલે માટી અને મટીરીયલના મોટા ઢગલા ખડકીને એજન્સી રફુચક્કર થઈ ગઈ છે.

બેરીકેટ કે ચેતવણી વગર રાત્રે 4થી 5 બાઈકચાલક પટકાયા

ચોંકાવનારી બાબત એ છે કે કામગીરી ચાલી રહી હોવા છતાં સ્થળ પર કોઈપણ પ્રકારનું બેરીકેટ, ચેતવણી બોર્ડ કે રાત્રે ચમકે તેવું રિફ્લેક્ટર મૂકવામાં આવ્યું નથી. દિવસના સમયે તો જેમ-તેમ કરીને વાહનચાલકો બચી જાય છે, પરંતુ રાત્રિના અંધારામાં આ જગ્યા જીવલેણ બની રહી છે.

કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાય છે?: સ્થાનિક રહિશોના જણાવ્યાનુસાર, ગઈકાલે રાત્રે જ અંધારામાં આ મટીરીયલના ઢગલા ન દેખાવાને કારણે 4થી 5 બાઈકચાલકો બાઈક સાથે સીધા પટકાયા હતા. સદ્દનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ આસપાસના લોકોમાં તંત્રની આવી આડોડાઈ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી

ખાડો પૂરવાને બદલે રસ્તા પર જ મટીરીયલ છોડ્યું

મળતી વિગતો મુજબ, રાંદેર ઝોનના પાલ વિસ્તારમાં આવેલી અલ્પેશ નગર સોસાયટી નજીક મુખ્ય પાણીની લાઈન લીકેજ હોવાથી પાલિકા દ્વારા તેનું રીપેરીંગ હાથ ધરાયું હતું. જોકે, કામ પૂરું થયા બાદ નિયમ મુજબ રસ્તો સમતળ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. તેને બદલે કોન્ટ્રાક્ટરે રસ્તાની બંને બાજુ કચરો અને માટીના ઢગલા એમનેમ છોડી દીધા, જેના પર પાલિકાના સુપરવિઝન રાખતા એન્જિનિયરોએ પણ આંખ આડા કાન કર્યા.

જવાબદારો સામે કડક પગલાં ભરવા સ્થાનિકોની માંગ

હાલ આ વિસ્તારના લોકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, 'શું પાલિકા તંત્ર કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ થાય ત્યાર પછી જ જાગશે?'

રહિશોએ માગણી કરી છે કે, આ જોખમી અને અધૂરી કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરીને રસ્તો સાફ કરવામાં આવે. પ્રજાના જીવ સાથે ચેડાં કરનાર બેદરકાર કોન્ટ્રાક્ટર અને તેના પર ધ્યાન ન રાખનાર જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક તપાસ કરી કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે.