Get The App

'ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે તેવા જ નેતા વોટ માગવા આવે...', સુરતમાં ભાજપને પડકારતું પોસ્ટર વાઈરલ

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
'ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે તેવા જ નેતા વોટ માગવા આવે...', સુરતમાં ભાજપને પડકારતું પોસ્ટર વાઈરલ 1 - image

Surat News: દક્ષિણ ગુજરાતના રાજકારણમાં અત્યારે સુરતનો રાંદેર વિસ્તાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે જ રાંદેરના ગોરાટ વિસ્તારમાં સ્થાનિકોએ રાજકીય પક્ષો, ખાસ કરીને ભાજપ સામે મોરચો ખોલ્યો છે. હનુમાન જન્મોત્સવની ઉજવણી દરમિયાન મંદિરની આસપાસની સોસાયટીઓમાં લાગેલા બેનરોએ નેતાઓનું ટેન્શન વધારી દીધું છે.

શું છે સમગ્ર વિવાદ?

રાંદેર ઝોનનો ગોરાટ વિસ્તાર અશાંત ધારા હેઠળ આવે છે. સ્થાનિકો અને મંદિરના પૂજારીનો આક્ષેપ છે કે, ગોરાટ હનુમાન મંદિરની દિવાલને અડીને જ વિધર્મીઓ માટે એક બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે. અશાંત ધારાનો સરેઆમ ભંગ કરીને આ બાંધકામ થઈ રહ્યું હોવા છતાં કોઈ રાજકીય નેતાએ સ્થાનિકોની વહારે આવ્યા નથી. સ્થાનિકોનો આરોપ છે કે નેતાઓની મિલીભગતને કારણે જ મંદિરની સુરક્ષા જોખમાઈ રહી છે.

બેનરોમાં શું લખાયું છે?

સોસાયટીઓના ગેટ પર લાગેલા બેનરોમાં સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપવામાં આવી છે કે, "ગોરાટ હનુમાન મંદિર બચાવી શકે તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું. એક બાબરી તૂટી અને ગોરાટમાં બીજી બની ગઈ, જવાબદાર કોણ?" સ્થાનિકોનું કહેવું છે કે, અમને કોઈ પક્ષ સાથે લેવા-દેવા નથી, જે અમારા મંદિર અને વિસ્તારની રક્ષા કરશે તે જ અમારા નેતા ગણાશે. અત્યાર સુધી નેતાઓએ અમારી વાત સાંભળી નથી, હવે ચૂંટણી સમયે અમે તેમને જવાબ આપીશું.

આ પણ વાંચો : અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું

ભાજપ માટે કેમ વધી મુશ્કેલી?

ભાજપ હંમેશા હિન્દુત્વ અને મંદિર સુરક્ષાના મુદ્દે મજબૂત રહ્યું છે, પરંતુ અહીં મંદિર બચાવવા માટે જ ભાજપના શાસન સામે સવાલો ઉઠ્યા છે. અશાંત ધારાના કડક અમલની વાતો વચ્ચે આ પ્રકારે બાંધકામ થવું તે શાસક પક્ષની કામગીરી સામે આંગળી ચીંધે છે. પાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે આ પ્રકારનો આક્રોશ વોટ બેંકમાં ગાબડું પાડી શકે છે.

નેતાઓ સામે આક્રોશ

મંદિરના પૂજારી અને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હનુમાન જયંતિના દિવસે જ્યારે હજારો ભક્તો ઉમટ્યા હતા, ત્યારે આ બેનરોએ સુરતભરમાં ચર્ચા જગાવી છે. આ વિસ્તારના લોકોનો આવો મિજાજ આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે ભારે પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે શું કોઈ નેતા આ વિવાદનો ઉકેલ લાવવા આગળ આવશે કે પછી જનતાનો આક્રોશ ચૂંટણીમાં જોવા મળશે.