સુરત: પ્રસાદીના બહાને ઝેર આપી પરિવારની હત્યાનો પ્રયાસ, પડોશણ મહિલાએ જ કાવતરું રચ્યું હોવાનો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : સુરતમાં પ્રસાદીના લાડુમાં ઊંઘની ગોળી ભેળવવા મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. ગત 10 એપ્રિલ, 2026ના રોજ પ્રસાદી ખાધા બાદ ડોંડા પરિવારને તેની ગંભીર અસર થઈ હતી. સમગ્ર મામલે શંકાના આધારે પોલીસે પાડોશી મહિલાની પૂછપરછ કરી હતી. જેમાં આખા પરિવારને પતાવી દેવાના ઈરાદે પાડોશી મહિલાએ કાવતરું રચ્યું હતું હોવાની કબૂલાત કરી છે, ત્યારે ઉત્રાણ પોલીસે આરોપી મહિલા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, સુરતના ઉત્રાણની શાલીગ્રામ સ્ટેટ્સમાં રહેતા ગોરધન ડોંડાના પરિવારને પાડોશી ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી નામના મહિલાએ મોતને ઘાટ ઉતારી દેવાનું કાવતરું ઘડ્યું હતું. ગત 10 એપ્રિલ, 2026ના રોજ ઉષાબેને પ્રસાદીના લાડુમાં ઊંઘની ગોળી ભેળવીને ડોંડા પરિવારના ઉંબરામાં મૂકી દીધા હતા.

ગોરધન અને તેમની પુત્રવધુને લાડુ ખાધા બાદ ઉલટી, ગભરામણ અને બેભાન થવા જેવી અસર થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં લાડુમાં ઝેરનું પ્રમાણ હોવાના કારણે ગોરધનની સ્થિતિ વધુ ગંભીર થઈ હોવાનું જણાય છે. લાડુ ખાધા બાદ ડોંડા પરિવારના સભ્યોને તેની અસર થતાં મામલો ઉત્રાણ પોલીસ સુધી પહોંચ્યો હતો.
સમગ્ર મામલે ડોંડા પરિવારે પાડોશી ઉષાબેન પર શંકા વ્યક્ત કરી હતી. આ પછી પોલીસે ઉષાબેનની પૂછપરછ કરતાં તેમણે લાડુમાં ઊંઘની ગોળી ભેળવી હોવાની કબૂલાત કરી હતી.
પીડિત પુત્રવધુ કિરણ ડોંડાએ જણાવ્યું કે, 'પાડોશીની છોકરી કેટલાક સમય પહેલા ભાગી ગઈ હતી. એ છોકરી મને ફોન કરતી હતી, જે પાડોશી મહિલા એટલે તેની માતાને ગમતુ ન હતું અને તેમની દીકરીને ભગાડવામાં મારો હાથ હોવાની શંકા રાખીને તેમણે આ પ્રકારનું કાવતરું ઘડ્યું હતું.'









