Get The App

સુરત: સરથાણામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ 9મા માળેથી છલાંગ લગાવી, મોતનું કારણ અકબંધ

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
સુરત: સરથાણામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ 9મા માળેથી છલાંગ લગાવી, મોતનું કારણ અકબંધ 1 - image


Physiotherapist Girl jumps from 9th floor: સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારે સાંજે એક હચમચાવી દેનારી ઘટના બની હતી. સરથાણા જકાતનાકા પાસે આવેલા અતિથિ કોમર્શિયલ કોમ્પલેક્ષના 9મા માળેથી એક ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. કેફેમાં બેઠેલી યુવતી અચાનક ખુરશી પરથી ઉભી થઈને નીચે કૂદી પડતા અરેરાટી વ્યાપી ગઈ છે.

કેફેમાં બેઠા બાદ અચાનક ભર્યું અંતિમ પગલું 

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરથાણાના વાલક પાટીયા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય રાધિકા કોટડિયા નામની યુવતી ફિઝિયોથેરાપિસ્ટ હતી અને પોતાનું પ્રાઈવેટ ક્લિનિક ચલાવતી હતી. શુક્રવારે સાંજે રાધિકા સરથાણા જકાતનાકા ખાતે આવેલા અતિથિ કોમ્પલેક્ષમાં ગઈ હતી. ત્યાં 9મા માળે આવેલા ‘ચાય પાર્ટનર’ નામના કેફેમાં તે બેઠી હતી. થોડા સમય બાદ તે અચાનક પોતાની ખુરશી પરથી ઉભી થઈ હતી અને કઈંક વિચારે તે પહેલા જ સીધી નીચે છલાંગ લગાવી દીધી હતી.

ઘટનાસ્થળે જ કરૂણ મોત 

9મા માળેથી પટકાતા રાધિકાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જોકે, 108ની ટીમે તપાસ બાદ યુવતીને મૃત જાહેર કરી હતી.

તાજેતરમાં જ સગાઈ થઈ હતી 

આ ઘટનાની જાણ થતા જ સરથાણા પોલીસ અને મૃતકનો પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાધિકાની થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી. એકાએક આ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પોલીસે રાધિકાનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને પરિવારજનોના નિવેદનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Tags :