સુરત: પાલિકાની સામાન્ય સભામાં શાસકોને મુંઝવતા વિપક્ષના પ્રશ્નો

સુરત પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનું સંખ્યાબળ ઓછું છે પરંતુ આજે તેઓએ કેટલાક શાસકોને મુંઝવતા પ્રશ્નો રજુ કરીને કેટલાક મુદ્દે બોલતી બંધ કરી દીધી હતી. સુરત પાલિકાને સરકારે આપેલી ગ્રાન્ટનું ઓડિટ થતું નથી તેમાં પણ કડદો થાય છે ? તેવો પ્રશ્ન પૂછ્યો હતો અને ઓડિટ થતું ન હોવાનો રિપોર્ટ વિપક્ષનો નહી પરંતુ સરકારના જ એક વિભાગનો છે તેમ કહ્યુ હતું. આ ઉપરાંત રોડ અકસ્માત બાદ રાતો રાત રોડ રીપેર થઈ ગયો જો તે પહેલા થયો હોત તો કોઈનો જીવ ગયો ન હોત તેવી વાત પણ કરી હતી.
થોડા સમય પહેલા સુરતમાં ખરાબ રોડના કારણે એક અકસ્માત થયો હતો તેમાં એક બાળકીનું મોત થયું હતું. આ મુદ્દો વિપક્ષે ઉઠાવ્યો ત્યારે ભાજપના કેટલાક કોર્પોરેટરોએ વિપક્ષ લાશ પર રાજનીતિ કરે છે તેવી વાત કરી હતી. તો પૂર્વ વિપક્ષી નેતાએ ભાજપના કોર્પોરેટર દ્વારા જ રજૂ કરેલા આંકડાનો આધાર લઈને ભાજપ શાસકોને ભીંસમાં લીધા હતા. ધર્મેશ ભંડેરીએ કહ્યું હતું, આ રોડનો કબજો પાલિકાને અઢી વર્ષ પહેલા મળ્યો હતો અને ત્યાર બાદ માર્ચ 2025માં વર્ક ઓર્ડર આપ્યો હતો અને હાલ તે કામગીરી અધૂરી હતી. જોકે, અકસ્માત થયાના ગણતરીના કલાકોમાં રાતો રાત રોડના ખાડા પૂરી દેવામાં આવ્યા હતા અને રોડ બનાવી દેવામા આવ્યો છે. અકસ્માત બાદ રોડ બનાવે તેના કરતા પહેલા બનાવ્યો હોત તો કોઈએ જીવ ગુમાવવો પડ્યો ન હતો.
વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ કહ્યું હતું કે, સરકારી ગ્રાન્ટનો ઉપયોગ 100 ટકા કરવામાં આવ્યો છે તેમાં ગ્રાન્ટનો ઉપયોગ કરાયો છે તેમાં ગાંધીનગરથી ખુલાસો મળ્યો છે જેમાં ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં બે લાખ કરોડથી વધુનો હિસાબ હજી ઓડિટ થયો નથી. ગ્રાન્ટનો ઉપયોગ કરીએ છીએ તો ઓડિટ માટે શું વાંધો છે. કંઈ કડદો થયો છે તેવા પ્રશ્નો પુછ્યા હતા. આમ ભાજપના કોર્પોરેટરે જે માહિતી આપી હતી તેનો જ આધાર બનાવીને વિપક્ષે ભાજપની દુખતી રગ દબાવી હતી.