Surat News: સુરતમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક માસૂમ બાળકને સોસાયટીમાં માત્ર ડોરબેલ વગાડવા જેવી નાનકડી બાબતે મહિલા દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો, પાર્કીંગમાં બાળકને જમીન પર ઢસડી ખૂબ જ ક્રૂરતાપૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો, બસ એ માસૂમનો વાંક એટલો જ હતો કે તેને રમત રમતમાં સોસાયટીમાં રહેતી મહિલાના ઘરના ડોરબેલ વગાડી દીધા હતા, જે બાદ ગુસ્સે ભરાયેલી મહિલાએ બાળકને લાફાવાળી કરી હતી, જેથી બાળકના ગાલ પર ચાભાં પડી ગયા હતા. બાળક સાથે બનેલી ઘટનાની જાણ પરિવારને થતાં મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજની તપાસ બાદ પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી હતી અને તેને ભૂલ સ્વીકારી કહ્યું હતું કે, 'હવે આવું નહીં થાય'
શું છે સમગ્ર ઘટના?
સુરતના સરથાણાના યોગીચોક વિસ્તારમાં આવેલી સિલિકોન રેસીડેન્સી આ ઘટના છે જ્યાં સુધીર વઘાસિયા તો બીજી તરફ અપેક્ષાનો પરિવાર રહે છે. સુધીર વઘાસિયાના સાત વર્ષના પુત્રએ મસ્તી મસ્તીમાં અપેક્ષાબેનના ઘરની ડોરબેલ વારંવાર વગાડી હતી, જેથી ઉશ્કેરાઈ ગયેલા અપેક્ષાબેને બાળકને મીઠો ઠપકો કે સમજાવટ કરવાની જગ્યાએ તેને નિર્દયતાથી માર માર્યો હતો અને ઢસડીને કહ્યું હતું કે તારો પિતા કોણ છે, પિતા કોણ છે!
સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ
બાળકે રમતમાં કરેલી નજીવી ભૂલમાં પિત્તો ગુમાવી ચૂકેલા અપેક્ષાબેનના મારથી બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જમણા પગમાં સોજો આવી ગયો હતો, પેટના ભાગે તેમજ ગાલના ભાગે પણ ચકામાં પડી ગયા હતા. સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. જેમાં બાળકને અપેક્ષાબેન પછાડતા હોવાનું ખૂલ્યું હતું. વીડિયો જોઈ બાળકના પરિવારજનો અને સોસાયટીના રહીશો અપેક્ષાબેન વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો.
'મારો ડોરબેલ મારશે તો હજી હું એને મારીશ'
બાળકનો પરિવાર અપેક્ષાબેન પાસે ગયો હતો જ્યાં બાળકને કેમ માર્યો તેવી રજૂઆત કરતાં અપેક્ષાબેને કહ્યું હતું કે હજી મારો ડોરબેલ મારશે તો હજી હું એને મારીશ, આ વર્તન જોઈ પરિવારે પોલીસમાં ફરિયાદ કરવાનું મન બનાવી અપેક્ષાબેનને શબક શીખવવાનું નક્કી કર્યું હતું. બાળકના પિતા સુધીરભાઈએ સરથાણા પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી, અને માંગ કરી હતી કે અપેક્ષાબેનને કાયદાકીય રીતે કડકમાં કડક સજા થાય જેથી કોઈ બાળક પર હાથ ઉપાડતાં પહેલા વિચારે.
અટકાયત બાદ માફી માંગતા શું કહ્યું?
ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં સીસીટીવી તપાસી અપેક્ષાબેનની અટકાયત કરી હતી. જેમાં આરોપી મહિલા અપેક્ષાએ માફી માંગતા કહ્યું હતું કે, 'હું સોસાયટીના C3માં રહું છું. મારી બિલ્ડિંગનો એક છોકરો રાતના 10 વાગ્યા પછી ડોરબેલ મારીને ભાગી જતો હતો, આવું તેને 6 થી 7 વખત કર્યું હતું એટલે 4 વખત પછી મેં દરવાજે રહીને જોયું કે કોણ આ રીતના કરે છે? ત્યારે મને જાણ થઈ હતી કે એક છોકરો આવું કરે છે, પછી મેં તેને કહ્યું હતું કે તારા પપ્પાનું નામ શું છે? તેને મને 10 એ 10 બિલ્ડિંગમાં ચક્કર મરાવ્યા હતા, અને મને ખબર નથી એવું કહેતો હતો, એટલે મેં 2 થી 3 ઝાપટો મારી હતી, જે મારી ભૂલ છે, હું સ્વીકારું છું, આવી ભૂલ હવે ન થાય તેનું પૂરતું ધ્યાન રાખીશ.'


