સુરત: જીવ દયાના નામે બેદરકારીનો ખેલ: રસ્તા પર ચણ ફેંકતા કબુતર માટે મોતનો જાળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુરત શહેરમાં શરુ થયેલી ગરમીમાં કેટલાક કહેવાતા જીવદયા પ્રેમીઓની બેદરકારી- જીદ તથા પાલિકાની શાહમૃગ વૃત્તિ ના કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતની ભીતિ સાથે રોજ સંખ્યાબંધ કબુતર ના મોત થઈ રહ્યાં છે. ટ્રાફિક ધમધમતા રોડ પર ફેંકવામાં આવેલા ચણ ખાવા આવતા કબુતરો દોડતા વાહનોની અડફેટમાં આવે છે અને મોતને ભેટી રહ્યા છે. તો બીજી તરફ રોડ પર મુકવામાં આવેલા પાણીના કુંડા ના કારણે અકસ્માત થાય તેવી ભીતિ છે. જોકે, આવી સ્થિતિ છતાં પાલિકા તંત્ર કોઈ નક્કર પગલાં ભરતી ન હોવાથી સ્થાનિકોના આરોગ્ય જોખમાઈ અને અકસ્માતની રાહ જોઈ રહી છે.
સુરતના કેટલાક સર્કલમાં કહેવાતા જીવદયા પ્રેમીઓ ચણ અને પાણી સાથે વધેલો ખોરાક નાંખતા હોવાથી ભારે ગંદકી થઈ રહી છે અને તેના કારણે આસપાસના લોકોના આરોગ્ય સામે ખતરો થઈ રહ્યો છે. આવી સંખ્યાબંધ ફરિયાદથી પાલિકાએ ટ્રાફિક માટે સમસ્યારૂપ અને ગંદકી ફેલાવતા સર્કલ દુર કરી દીધા છે. જોકે, આવી સ્થિતિ છતાં પણ કેટલાક કહેવાતા જીવદયા પ્રેમીઓ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર જ રોડ પર જ ચણ અને પાણીના કુંડા મુકી રહ્યાં છે. કહેવાતા જીવદયા પ્રેમીઓની આ જીદને કારણે શહેરના અનેક વિસ્તારમાં અકસ્માતની ભીતિ વધી રહી છે અને શાંતિદુત કહેવાતા કબુતરોના મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
આવી જ એક સમસ્યા પાલનપોર ગામ સાઈતિર્ધ ચાર રસ્તા પર બહાર આવી છે. આ ચાર રસ્તાના સર્કલ માં કેટલાક લોકો ચણ અને પાણીના કુંડા પક્ષીઓ માટે મુકી રહ્યાં છે. આ સર્કલમાં કેટલાક વધેલો ખોરાક નાંખી રહ્યાં છે અને પાણી ચણ પડ્યા હોવાથી ભારે ગંદકી થઈ રહી છે. તીવ્ર વાસ આવવા સાથે ગંદકી થતા આસપાસના લોકોના આરોગ્ય સામે મોટો ખતરો છે. આ સર્કલ ના કારણે અનેક સમસ્યા થતા પાલિકાએ સર્કલ દુર કરી રસ્તો બનાવ્યો છે.
આ ચાર રસ્તા સતત ટ્રાફિકથી ધમધમી રહ્યો છે તેમ છતાં કેટલાક લોકો અહી ચણ અને પાણી માટે કુંડા મુકી રહ્યા છે. જેના કારણે ટ્રાફિકથી ધમધમતા રોડ પર વાહન અડફેટમાં અનેક કબુતર આવી મોતને ભેટી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ રસ્તા પર પક્ષીઓ માટે મુકેલા પાણીના કુંડા વાહન ચાલકો માટે અડચણ ઉભી કરી રહ્યાં છે અને તેના કારણે અકસ્માત થવાની શક્યતા છે. એક તરફ કબુતર મરી રહ્યાં છે બીજી તરફ મુકાયેલી ઈંટ અને કુંડા અકસ્માતનું કારણ બની રહી હોવા છતાં પાલિકા તંત્ર ચૂપ છે. આવી રીતે જાહેરમાં ન્યુસન્સ થાય તેવી રીતે ચણ પાણીના કુંડા મૂકનાર સામે કોઈ કાર્યવાહી કરતી ન હોવાથી ગંદકી વધવા સાથે અકસ્માત વધી રહ્યાં છે તેથી પાલિકા કડકાઈ નો ઉપયોગ કરે તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યાં છે.








