Get The App

'આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી...': નાસીર નગર વિવાદના 12મા દિવસે સુરત પાલિકાના એડિશનલ સિટી ઇજનેરનું નિવેદન

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
'આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી...': નાસીર નગર વિવાદના 12મા દિવસે સુરત પાલિકાના એડિશનલ સિટી ઇજનેરનું નિવેદન 1 - image

Surat Nasir Nagar Demolition Controversy : સુરતના નાસીર નગર વિસ્તારમાં થયેલા ડિમોલિશનને લઈને સર્જાયેલા વિવાદમાં હવે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીએ સત્તાવાર પક્ષ રજૂ કર્યો છે. મનપાના એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયકે મીડિયા સામે આવીને આ ઘટનાને 'ભૂતિયા ડિમોલિશન' ગણાવવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. તેમણે જણાવ્યું કે પાલિકાની ટીમે જે પણ કામગીરી કરી છે તે સંપૂર્ણપણે કાયદાના દાયરામાં રહીને કરવામાં આવી છે.

કાયદાકીય જોગવાઈ મુજબ થઈ કામગીરી

પોતાના નિવેદનમાં આશિષ નાયકે જણાવ્યું કે, "ગત તારીખ 30/05/2026ના રોજ મનપાની ટીમ માત્ર ડિમાર્કેશન (હદ નક્કી કરવા) અને રોડ ખુલ્લો કરવા માટે નાસીર નગર ખાતે ગઈ હતી. અમે અમારી કાયદાકીય જોગવાઈઓ અને નિયમો પ્રમાણે જ કામ કર્યું છે. ઘટનાસ્થળે શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે અમે અગાઉથી પોલીસ તંત્રને પણ લેખિતમાં જાણ કરી હતી. તેથી આને 'ભૂતિયા ડિમોલિશન' નામ આપવું તદ્દન ખોટું છે."

અધિકારીએ આક્રોશ વ્યક્ત કર્યો  

એડિશનલ સિટી ઇજનેરે આ મામલાને સૌની સામે ઉજાગર કરનાર મીડિયાની ભૂમિકા સામે જ સવાલો ઉઠાવતાં કહ્યું કે, મીડિયાએ આ મુદ્દાને ખોટી રીતે ચગાવ્યું છે. મને માનસિક તણાવ થઈ રહ્યો છે. જોકે આ મામલે નોંધ લેવા જેવી વાત એ છે કે આ ઘટનાના લગભગ 12 દિવસ બાદ ખુદ અધિકારી ખુલાસો કરવા સૌની સામે આવ્યા છે. ત્યાં સુધી અધિકારી કેમ મૌન રહ્યા તે પણ એક સવાલ છે. 

તપાસ કમિટીને પૂર્ણ સહયોગ કરીશ 

તેમણે ઉમેર્યું કે આ મામલે જે તપાસ કમિટી નિમવામાં આવી છે, તેને મનપા પ્રશાસન પૂરેપૂરો સહયોગ આપી રહ્યું છે. તપાસ કમિટીનો આખરી રિપોર્ટ ન આવે ત્યાં સુધી સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોમાં કોઈએ પણ ખોટી અને ભ્રામક માહિતી ન ફેલાવવી જોઈએ. નાયકના મતે, મીડિયા દ્વારા આખા માળખાને એકતરફી રીતે રજૂ કરીને પાલિકાની છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તપાસ કમિટીના રિપોર્ટમાં શું બહાર આવે છે.

શું હતો મામલો? 

ઉલ્લેખનીય છે કે નાસીર નગરમાં 100થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યવાહી કોણે કરી તેને લઈને મામલો ગુંચવાઈ ગયો હતો. મનપાના અધિકારીઓએ અત્યાર સુધી આ મામલે જવાબદારી સ્વીકારી નહોતી. પોલીસની પણ આ મામલે ભૂમિકા શંકાસ્પદ રહી હતી. નાસીર નગરમાં મકાન તૂટ્યા, પરિવારો બેઘર બન્યા અને સ્થળ પર ભારે હોબાળો મચ્યો તે બાદ આ મામલો સૌની સામે આવ્યો હતો.