Get The App

સુરત પાલિકાનો આશ્ચર્યજનક સર્વે : જનતા રસ્તા પરના ખાડાથી ત્રસ્ત ત્યારે આખા શહેરમાં માત્ર 1800 સ્પોટ પર ખાડા હોવાનો દાવો

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાનો આશ્ચર્યજનક સર્વે : જનતા રસ્તા પરના ખાડાથી ત્રસ્ત ત્યારે આખા શહેરમાં માત્ર 1800 સ્પોટ પર ખાડા  હોવાનો દાવો 1 - image


Surat Corporation : સુરતમાં આવેલા વરસાદ બાદ શહેરના મોટાભાગના રસ્તા પર ખાડા પડી ગયા છે અને સંખ્યાબંધ રસ્તા બિસ્માર છે. મોટાભાગના શહેરીઓ રસ્તા પરના ખાડાથી ત્રાહિમામ છે ત્યારે સુરત પાલિકાએ જાદુઈ સર્વે કર્યો છે અને શહેરમાં માત્ર 1800 સ્પોટ પર ખાડા હોવાનો દાવો કર્યો છે. જોકે, છેલ્લા ચાર દિવસથી પાલિકા કામગીરી કરી છે તેમાં માત્ર 700 ખાડા રીપેર કરવાની કામગીરી થઈ છે અને તેમાં પણ 3628.69 મેટ્રીક ટન મટીરીયલનો ઉપયોગ કર્યો છે.  જોકે, શહેરના રસ્તાની સ્થિતિ આટલી ખરાબ છે ત્યારે અધિકારીઓ હાઈવેના ખાડા સાથે સરખામણી કરી પોતાની કામગીરી યોગ્ય હોવાની વાત કરી રહ્યાં છે. 

સુરતમાં વરસાદની શરૂઆત સાથે પાલિકાની નબળી કામગીરી બહાર આવી છે અને શહેરના સંખ્યાબંધ રસ્તા ધોવાઇ ગયા છે. તેમાં પણ મેટ્રોની કામગીરી ચાલે છે અને શહેરના બ્રિજની આસપાસના રસ્તાની હાલત દયનીય થઈ ગઈ છે. શહેરના રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા છે તેવું કેટલીક જગ્યાએ સુરતીઓને અહેસાસ થઈ રહ્યો છે. શહેરમાં રસ્તા પરના ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવવા સાથે આક્રોશ ઠાલવી રહ્યાં છે. 

તો બીજી તરફ પાલિકા તંત્રએ રસ્તાના ખાડાનો સર્વે કર્યો છે તેમાં આખા શહેરમાં પાલિકાના નવ ઝોનમાં માત્ર 1800 સ્પોટ પર જ ખાડા પડ્યા હોવાનો દાવો કર્યો છે. પાલિકાના ઈનચાર્જ સીટી ઈજનેર જતિન દેસાઈએ જણાવ્યું હતું કે તમામ ઝોન પાસે સર્વે કરાવ્યો હતો તેમાં 1800 સ્પોટ પર જ ખાડા હોવાનું બહાર આવ્યું છે. અને છેલ્લા ચાર દિવસથી ખાડા પુરવાની કામગીરી ચાલી રહી છે અને તેમાંથી 700  સ્પોટના ખાડા પૂરી દેવામાં આવ્યા છે. આ કામગીરી માટે ચાર દિવસ સુધી 151 મશીનરી, 607 બેલદારે 3628.69 મેટ્રીક ટન મટીરીયલ્સનો ઉપયોગ કરાયો છે અને 18,450 સ્કે. મીટરમાં ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં અન્ય સ્પોટના ખાડા પુરવાની કામગીરી કરવામાં આવશે,

શહેરના મોટાભાગના રસ્તા બિસ્માર છે અને સંખ્યાબંધ ખાડાઓ છે ત્યારે પાલિકાના 1800 સ્પોર્ટના ખાડાના સર્વે સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે અને બીજી તરફ 700 ખાડા પુરતા ચાર દિવસનો સમય અને મોટી માત્રામાં સ્ટાફ અને સામગ્રીનો ઉપયોગ થયો તે વિરોધાભાષ હોવાનું કહેવાય છે. તો બીજી તરફ પાલિકાના અધિકારીઓ પોતાની કામગીરી સારી બતાવવા પાલિકાના રસ્તાને હાઇવે ના ખાડા સાથે સરખામણી કરી રહ્યાં છે તે ચર્ચાનો વિષય બન્યો છે. 

આટલા ખાડામાં કોઈનો જીવ નહી જાય 

સુરત શહેરમાં રસ્તાના ખાડા વિવાદમાં છે ત્યારે પાલિકાના કેટલાક અધિકારીઓ રસ્તાની કામગીરી યોગ્ય થઈ છે તેવું દર્શાવવા માટે હાઈવે સાથે શહેરના રસ્તાની સરખામણી કરી રહ્યાં છે. તો બીજી તરફ શહેરમાં જે ખાડા પડ્યા છે તેમાં કોઈ પડે તો જીવ નહી જાય તેવી કોમેન્ટ પણ કેટલાક અધિકારીઓ કરી રહ્યાં છે. પાલિકાના અધિકારીઓ મોંઘીદાટ ફોર વ્હીલરમાં ફરે છે અને શહેરના મોટા ભાગના લોકો ટુ વ્હીલર કે સાયકલ અથવા રીક્ષામાં મુસાફરી કરે છે. શહેર આખું રસ્તા પરના ખાડાથી ત્રાહિમામ છે ત્યારે કેટલાક અધિકારીઓ આ ખાડાને મજાકમાં લઈને આ ખાડામાં પડે તો કોઈનું મોત નહી થાય તેવી કોમેન્ટ કરે છે તેના  કારણે વિવાદ ઉભો થયો છે. જો અધિકારીઓને ખાડા સામાન્ય લાગતા હોય તો ફોર વ્હીલર મુકીને આ ખાડાવાળા રસ્તા પર ટુ વ્હીલર ચલાવી જાય તો લોકોની વ્યથા ખબર પડે તેવી કોમેન્ટ પણ થઈ રહી છે. 

Tags :