માત્ર બે થી અઢી ઇંચ વરસાદમાં સુરત પાલિકાની સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમ ફેલ થઈ ગઈ
સુરતમાં આજે શરૂ થયેલી વરસાદની ઈનિંગ્સે ફરી એક વખત પાલિકાની પોલ ખોલી દીધી છે. સુરતમાં રવિવારે માત્ર બે થી અઢી ઇંચ પડેલા વરસાદ સામે પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ ફેલ થઈ ગઈ છે. આજે વરસાદના કારણે સુરત નવસારીને જોડતા ભેસ્તાન રોડ પર નદી વહી, કતારગામ, ડિંડોલી, વીઆઈપી રોડ સહિત અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુરતમાં ગઈકાલે ધીમો વરસાદ પડતો હતો પરંતુ રવિવારે સવારથી વરસાદે ધમાકાભેર શરુઆત કરી હતી અને બે થી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જોકે, આટલા વરસાદમાં પણ પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી અને સામાન્ય વરસાદમાં પાણીનો નિકાલ ન કરી શકતા પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ સુરતીઓ માટે ફરી એક વખત વિલન સાબિત થઈ છે. લાંબો સમય સુધી પાણીનો ભરાવો થતાં લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
રવિવારે બે થી અઢી ઇંચ વરસાદ પડ્યો હતો જેમાં સુરત અને નવસારીને જોડતા ભેસ્તાન ના મુખ્ય રોડ પર નહેર વહેતી હોય તેવી રીતે પાણીનો ભરાવો થયો હતો. આ પહેલાં પાલિકાએ વધુ વરસાદ હોવાથી પાણીનો નિકાલ થતો નથી તેવી વાત કરી હતી પરંતુ આજે તો બે થી અઢી ઇંચ વરસાદ માં જ ભેસ્તાન મુખ્ય રોડ પર રેલ આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ પાણીમાં મોટા વાહનો પણ માંડ પસાર થતા હતા. નાના વાહનો પસાર થવાનો પ્રયાસ કરવામાં આવતો હતો જેમાં મોટા ભાગના વાહનો બંધ થઈ જતા હતા.
આ ઉપરાંત સુરત પાલિકાના સૌથી વિકસીત એવા અઠવા ઝોનમાં આવેલા વીઆઇપી રોડ પર પણ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. આ ઉપરાંત કતારગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય વરસાદમાં પણ વરસાદમાં ઠેકઠેકાણે પાણીનો ભરાવો થતાં પાલિકાની સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમની કામગીરી નબળી હોવાનો આક્રોશ લોકો વ્યક્ત કરી રહ્યાં છે. સામાન્ય વરસાદમાં પણ પાણીનો ભરાવો થતો હોય તો ડ્રેનેજની સફાઈ યોગ્ય થતી નથી અને કૌભાંડ થતા હોવાનો આક્ષેપ પણ લોકો કરી રહ્યાં છે.