Get The App

સુરત પાલિકાના પટાવાળાથી માંડી ડેપ્યુટી કમિ.ને મતદાર યાદીમાં જવાબદારી સોંપી

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાના પટાવાળાથી માંડી ડેપ્યુટી કમિ.ને મતદાર યાદીમાં જવાબદારી સોંપી 1 - image


Surat Corporation : સુરત સહિત ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન (SIR) હેઠળ મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ફરજ હેઠળ આવે છે પરંતુ તેનું ભારણ સરકારના અન્ય વિભાગ પર ઓછું પણ પાલિકા અને શિક્ષણ સમિતિ પર વધુ નાખી દેવાયું છે. જેના કારણે શિક્ષણ સમિતિમાં એક શિક્ષક ત્રણ થી ચાર વર્ગ એક સાથે સંભાળતા હોવાના દ્રશ્યો બહાર આવ્યા છે. આ ઓછું હોય તેમ હવે સુરત પાલિકાના પટાવાળાથી માંડી ડેપ્યુટી કમિ.ને મતદાર યાદીમાં જવાબદારી સોંપી દેવામાં આવી હોવાથી હવે તેની સીધી અસર પાલિકાના વહીવટ પર પણ જોવા મળશે. 

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન (SIR) માટે આડેધડ ઓર્ડર કરવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ બહાર આવી રહી છે. હાલમાં આ ઓર્ડરમાં જે લોકો એપ્રેન્ટીસમાં હોય તેવા કર્મચારીઓના ઓર્ડર પણ કાઢવામાં આવ્યા છે. 11 માસના કરાર પર આઈ.ટી.આઈ કરી આવેલા કર્મચારીઓને પણ મતદાર સુધારણા યાદીમાં જોડી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત લાઈટ વિભાગના કેટલાક ઈલેકટ્રીશીયન, બ્રિજ વિભાગના ટેકનીશીયન સહિત અનેકના ઓર્ડર નીકળ્યા છે જેની સીધી અસર પાલિકાની કામગીરી પર પડી રહી છે. હવે તો સુરત પાલિકાના પટાવાળાથી માંડીને ડેપ્યુટી કમિશનરને પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન (SIR) ની જવાબદારી સોંપી દેવામાં આવી છે. જેના કારણે હવે પાલિકા કચેરી ખાલીખમ જોવા મળી રહી છે. આ કામગીરીના કારણે લોકોની સમસ્યાના હલ માટે પણ હવે કર્મચારીઓ બાકી રહ્યાં નથી. 

સૌથી ખરાબ હાલત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છે સમિતિમાં શિક્ષકોની ઘટ છે અને અનેક શિક્ષકોના ઓર્ડર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન (SIR) માટે નિકળ્યા છે તેથી કેટલીક સ્કુલ તો એવી છે જ્યાં એક શિક્ષક એક સાથે ત્રણ થી ચાર વર્ગ સંભાળી રહ્યા છે. એક સાથે ચાર વર્ગ સંભાળતા હોય તેવામા હાજરી પુરતા જ અડધો દિવસ નિકળી જાય છે. આવા સંજોગોમાં બાળકોને શિક્ષણ કઈ રીતે અને કઈ ગુણવત્તાનું મળશે તે પ્રશ્ન ઉભો થયો છે. પાલિકા અને શિક્ષણ સમિતિના મોટા ભાગના કર્મચારીઓને મતદાર યાદી માટે જોડી દેવામા આવ્યા છે તેમને કોઈ પણ સંજોગોમાં રજા આપવામાં આવતી નથી તો બીજી તરફ અન્ય સરકારી કચેરીના કર્મચારીઓને આ કામગીરીમાં ભાગ્યે જ જોડવામાં આવ્યા છે તેની સીધી અસર પાલિકાના વહીવટ અને પાલિકાની શાળાના શિક્ષણ પર પડી રહી છે. 

Tags :