સુરત પાલિકાના ગ્રીન બોન્ડ ભારતનો પહેલો ઈન્ટરનેશનલ સર્ટીફાઈડ બોન્ડ બનશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત મહાનગરપાલિકાની 200 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવા અંગેની કવાયત હવે પૂરી થઈ ગઈ છે. સુરત પાલિકા હવે ગણતરીના દિવસોમાં જ સેબીને આ અંગે ઓડીટ બાદનું અંતિમ સબમિશન રિપોર્ટ આગામી બે-ચાર દિવસમાં રજૂ કરશે અને પછી એક દોઢ મહિનામાં જ સુરત પાલિકાના ગ્રીન બોન્ડનું લિસ્ટિંગ થાય તેવી શક્યતા છે. આ સાથે પાલિકાના ગ્રીન બોન્ડ ભારતનો પહેલો ઈન્ટરનેશનલ સર્ટીફાઈડ બોન્ડ પણ બની જશે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં અગ્રેસર સુરત પર્યાવરણની જાળવણી અને પ્રદુષણ નિયંત્રણ માટેના મહત્વના પ્રોજેક્ટ માટે પણ દેશમાં અગ્રેસર છે. જેના કારણે સુરત પાલિકા હવે ગ્રીન બોન્ડ બહાર પાડવા માટેની કામગીરી લગભગ પૂરી કરી દીધી છે. આગામી સપ્ટેમ્બર માસ દરમિયાન પાલિકાના 200 કરોડના ગ્રીન બોન્ડના આઈપીઓનું લિસ્ટીંગ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ માટે સુરત પાલિકાના કન્સલ્ટન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા તમામ મુદ્દાઓની સ્પષ્ટતા કરવા સાથે પાલિકાએ ફાઈનલ ઓડિટ રિપોર્ટ પણ તૈયાર કરી દીધો છે જે આગામી બે ત્રણ દિવસમાં સેબીમાં સુપ્રત કરી દેવામા આવશે.
આ અંગે માહિતી આપતા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, 200 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવામા આવ્યા છે તેમાં સુરત પાલિકાના 6 પ્રોજેક્ટને લંડનની ક્લાઇમેન્ટ બોન્ડ ઇનિશિએટીવ સંસ્થાએ પાલિકાના પ્રોજેક્ટોને સર્ટીફાઇડ કરવામાં આવ્યા છે. સુરત પાલિકાના આ પ્રોજેક્ટ પેરીસ ક્લાઇમેન્ટ એગ્રીમેન્ટ લક્ષ્ય સાથે સુસંગત છે. સુરત પાલિકા આ 200 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડશે. તેમાં જાહેર જનતા પણ આઈપીઓ ભરી શકશે.
પાલિકા ગ્રીન બોન્ડ બહાર પાડશે અને તેમાં 200 કરોડની રકમ મળશે પાલિકાના 6 પ્રોજેક્ટની કિંમત 100 કરોડ જેટલી થાય છે તેમાં ખર્ચ કરવામાં આવશે. આઇપીઓના લિસ્ટીંગ સમયે તમામ 6 પ્રોજેકટો માટેના વર્ક ઓર્ડર ઇશ્યુ થઇ ગયા હોવા જોઇએ. આ માપદંડ પણ પાલિકાએ પાર કરી દીધા છે.
આ વખતે પાલિકાના આ ગ્રીન બોન્ડમાં તમામ લોકો સબસ્ક્રાઇબ કરી શકશે. ગ્રીન બોન્ડના બદલામાં કેન્દ્ર સરકાર અમૃત-2 યોજના અંતર્ગત મનપાને અંદાજે રૂપિયા 20 કરોડ જેટલી સબસિડી આપશે. આ અગાઉ પણ પાલિકાએ કરોડના બોન્ડ બહાર પાડ્યા હતા જે લિસ્ટીંગ થતા ગણતરીની સેકન્ડોમાં જ ભરણું છલકાઈ ગયું હતું. તેથી આ વખતે પાલિકાના 200 કરોડના ગ્રીન બોન્ડની રાહ જોવાઈ રહી છે.









