Get The App

સુરત પાલિકામાં યુનિયનની ગેરકાયદે ઓફિસ ખાલી કરાવી પણ ઓફિસનો સામાન પાર્કિંગમાં હજી યથાવત

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
સુરત પાલિકામાં યુનિયનની ગેરકાયદે ઓફિસ ખાલી કરાવી પણ ઓફિસનો સામાન પાર્કિંગમાં હજી યથાવત 1 - image

Surat Coproration : સુરત શહેરના વરાછા સહિત અન્ય વિસ્તારમાં રસ્તા પરના ગેરકાયદે દબાણની ફરિયાદ બાદ મેયર અને અધિકારીઓએ રાઉન્ડ લઈને દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ દબાણ દુર કરવાની કામગીરીમાં દીવા તળે અંધારું જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા પાલિકા કચેરીમાં યુનિયનની ગેરકાયદે ઓફિસ ખાલી કરાવી હતી ત્યારે પાલિકાએ યુનિયનની ઓફિસનો સામાન બહાર મૂકી દેવામા આવ્યો હતો. જોકે, આ સામાન પંદર દિવસ કરતા વધુ સમયથી બહાર હોવા છતાં તેનો નિકાલ કરવા આવ્યો નથી. તેથી પાલિકાની નીતિ સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 

સુરત પાલિકાના કર્મચારીઓની વિવિધ માંગણી મુદ્દે વહિવટી તંત્ર અને શાસકોને છાસવારે બાનમાં લેતા યુનિયનોને પાલિકાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.  પાલિકાના 11 જેટલા યુનિયનોએ પાલિકાની ઓફિસ પર છેલ્લા 10 વર્ષથી ગેરકાયદે કબજો જમાવ્યો હતો. પાલિકા તંત્ર એ નોટિસ આપ્યા બાદ વધુ સમયની રાહ જોયા વિના રાત્રીના સમયે જ ઓફિસનો કબ્જો લઈ લીધો હતો અને સામાન પાર્કિંગમાં મુકી દીધો હતો. 20 નવેમ્બરના રોજ પાલિકાએ ઓફિસ ખાલી કરાવી સામાન બહાર મુકી દીધો હતો. 

સામાન બહાર કાઢ્યાને 15 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજી પણ પાલિકાના પાર્કિંગમાં યુનિયનની ઓફિસના કબાટ, ટેબલ અને ખુરશી સહિતની સામગ્રી હજી પણ છે. દબાણની ફરિયાદ બાદ સુરતના મેયર વરાછાના વિવિધ વિસ્તારોમાં પહોંચીને પાલિકાના અધિકારીઓ પોલીસ સાથે મળીને દબાણ હટાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને ફરી દબાણ ન થાય તે માટે સૂચના આપી હતી. પરંતુ સુચના મેયરની ઓફિસ નીચે જ  યુનિયનની ઓફિસના કબાટ, ખુરશી સહિતનો સામાન હજી પણ પડ્યો છે અને પાલિકા કચેરીની સુંદરતાને ડાઘ લાગી રહ્યાં છે. પાલિકા પોતાની જ ઓફિસમાંથી જ ગેરકાયદે દબાણ દુર કરી શકતી નથી અને શહેરના દબાણ દુર કરી રહ્યાં છે તે ચર્ચાનો વિષય બન્યો છે.