સુરત પાલિકાએ વિસર્જનના તહેવારને બનાવ્યો મહિલાઓનો રોજગારીનો તહેવાર
સુરત મહાનગરપાલિકાના યુસીડી વિભાગે ગણેશ વિસર્જનના તહેવારને મહિલાઓની રોજગારી નો તહેવાર બનાવી દીધો છે. ગણેશ વિસર્જન દરમિયાન પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવ બહાર સ્વરોજગારી મેળવતી મહિલાઓના સ્ટોલ મુક્યા હતા. લોકોની લાગણી દુભાય નહીં તેવી રીતે ગણેશજીના વાઘા અને આભુષણ કાઢવામાં આવે છે અને તેનો મહિલા નવરાત્રીના ડ્રેસ કે અન્ય જગ્યાએ ઉપયોગ કરી રોજગારી મેળવી રહી છે.
સુરત શહેરમાં ગણેશોત્સવ બાદ વિસર્જન માટે પાલિકાએ નવ ઝોનમાં 20 કૃત્રિમ તળાવ બનાવ્યા છે અને ત્યાં પાંચ ફુટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. સુરત પાલિકાના યુસીડી વિભાગ દ્વારા દીનદયાળ અંત્યોદય યોજના- અને સ્વસહાય જૂથની બહેનો દ્વારા કૃત્રિમ તળાવ પર મૂર્તિ સાથેના આભૂષણો, વાઘા અલગ કરવામાં આવ્યા હતા. સ્વસહાય જૂથોના સભ્યો મારફતે ગણેશજીની મૂર્તિ સાથેના ડેકોરેશન અને અન્ય પ્રકારની સામગ્રી જે વિસર્જન પછી નકામો બની જાય છે તે એકત્ર કરવામાં આવી છે. આ આભૂષણો, વાઘા વગેરે રી-યુઝ કરી પર્યાવરણની જાળવણી કરવામાં આવશે.
આ એકત્ર કરેલ વિવિધ વસ્તુઓ માંથી સખી મંડળ દ્વારા તોરણ, ચણીયા ચોળી, વિવિધ ઓર્નામેન્ટ, તથા ગૃહ સુશોભન ની વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોથી પાલિકા દ્વારા આવી બહેનોને રોજગારી માટે નવરાત્રી પહેલા સખી મેળાનું આયોજન કરવામાં આવે છે અને નવરાત્રી મેળામાં આ રીતે બનાવેલા ટ્રેડીશનલ ડ્રેસ ની ડિમાન્ડ પણ વધી રહી છે. આ વેસ્ટમાંથી બનાવેલી બેસ્ટ વસ્તુઓનું વેચાણ થાય છે આમ પાલિકાના યુસીડી વિભાગનાગણેશ વિસર્જન બાદ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો વિચાર થી રોજગારી મળી રહી છે.
વિના મુલ્યે મળેલી સામગ્રી અને ક્રીએટીવીટીથી રોજગારી
આ ઘરેણાં અને વાઘા તથા કાપડનો ઉપયોગ કરીને આ મહિલાઓ પોતાની ક્રિએટીવીટી થી નવરાત્રીના ડ્રેસ અને ઘરેણા બનાવી રહી છે. પહેલી નજરે જોવામાં આવે તો આ રિયુઝ થયેલી વસ્તુ માંથી કપડાં અને ઘરેણાં બનાવ્યા હોય તેવું લાગતું જ નથી. આવી રીતે મહિલાઓ ઓછી કિંમતમાં નવરાત્રી માટેના ડ્રેસ બનાવે છે અને ઓછા ભાવમાં વેચાણ કરે છે. ગત વર્ષથી નવરાત્રી મેળામાં આ મહિલા રોજગારી મેળવી હતી. યુસીડી વિભાગ આ યુનિક આઈડિયાના કારણે આ મહિલા વિના મુલ્યે સામગ્રી મેળવે છે અને ત્યાર બાદ તેમાંથી રોજગારી પણ મેળવી રહી છે.