સુરત પાલિકાએ હોળી પ્રગટાવવા માટે ગાઈડલાઈન જાહેર કરી : રસ્તા પર માટી-છાણના લીંપણ બાદ ઈંટો ગોઠવી હોળી પ્રગટાવવા સુચના
Surat Corporation Holi Guidelines : સુરતમાં હોળીના તહેવાર પહેલા આ વર્ષે પણ સુરત પાલિકાએ હોળી પ્રગટાવવા માટેની ગાઈડલાઈન જાહેર કરી છે. સુરતના જાહેર કે સોસાયટીના રસ્તા પર માટી તથા છાણ મિશ્રિત લીંપણ કર્યા બાદ એક ઈંટનું થર પાથરી હોળી પ્રગટાવવા માટે સુચના જાહેર કરવામાં આવી છે. સુરત પાલિકાએ હોળી પ્રગટાવવા માટે અનેક સૂચનો શહેરીજનોને કર્યા છે અને મોટા ભાગના સુરતીઓ તેનો અમલ પણ કરે છે તેના કારણે હોળી બાદ રોડ ખરાબ થવાની સંખ્યામાં પણ ઓછી થતી જોવા મળે છે.
સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે પણ સુરત શહેરમાં હોળીના તહેવાર પહેલા હોળી પ્રગટાવવા પહેલા હોળી કેવી રીતે પ્રગટાવવી તે માટેની જાહેર સુચના અને અપીલ સુરતીઓને કરી છે. પાલિકા દર વર્ષે હોળી પહેલા આ પ્રકારની સૂચના જાહેર કરે છે અને સુરતીઓ તેનો અમલ પણ કરી રહ્યાં છે. પાલિકાએ હોળી માટે ગાઈડલાઈન જાહેર કરી છે તેમાં સુરીતઓને હોળી આવા જાહેર માર્ગો ઉપર સીધા ડામર રોડ ઉપર લાકડાં, ઘાસ, છાણા વિગેરે એકઠા કરી હોળી પ્રગટાવવી નહી તેવું સ્પષ્ટ કહ્યું છે. આ પ્રકારે હોળી પ્રગટાવવાથી હોળીની આગની સીધી ગરમીના કારણે રસ્તાઓના ડામર પીગળી જવાથી રસ્તાઓના જંકશન તૂટી જાય છે અને જેને કારણે આવા જંકશનને મરામત પાછળ બિનજરૂરી ખર્ચ થાય છે, તેમજ જાહેર જનતાને અગવડતા થાય છે તેવું પાલિકાનું માનવું છે.
હોળીની ગરમીથી રોડને બચાવવા માટે પાલિકાએ કેટલીક ગાઈડલાઈન જાહેર કરી છે તે ગાઈડ લાઈન પ્રમાણે પ્રથમ ડામર રસ્તા પર છાણ માટીનું જાડું લીંપણ કરવામાં આવે, તથા તેના પર ઈંટ અને/અથવા રેતી-માટીના થર પાથર્યા બાદ હોળી પ્રગટાવી તેમ જણાવ્યું છે. આવા પ્રકારે હોળી પ્રગટાવવાથી પાલિકાના રોડને નહીવત નુકસાન થાય છે તેથી આ પ્રકારે હોળી પ્રગટાવવા માટે અપીલ કરી છે.
આ ઉપરાંત હોળી સીધેસીધી ડામર રસ્તા કે સિમેન્ટ કોંક્રિટ રોડ પર પ્રગટાવવી નહી સાથે ટ્રાફિકની અવરજવર તેમજ તેની નજીકથી પસાર થતા રાહદારીઓને હોળીની જવાળાથી નુકશાન ન થાય તેવું સ્થળ પસંદ કરવા માટે પણ અપીલ કરી છે. હોળી પ્રગટાવવા માટેની સૂચના સાથે હોળીને ઠારવા માટેની પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
પાલિકાએ આ માટેની ગાઈડ લાઈન જાહેર કરતાં કહ્યું છે કે, હોળી પ્રગટાવીને ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ તેમજ હોળી ઠારવાની/ઠંડી કરવાની ધાર્મિક વિધિ સંપૂર્ણ થયા પછી હોળી પ્રગટાવવાના કારણે ઉત્પન્ન થતી રાખ, નહીંવત બળેલા લાકડા તેમજ ધાર્મિક વિધિ માટે ઉપયોગમાં લેવામાં આવેલ સામગ્રી જેવી કે ધાન, નાળિયેર તેમજ અન્ય પ્રાસાદિક વસ્તુ હોળી પ્રગટાવેલ સ્થળથી સલામત સ્થળે ખસેડવાની તકેદારી રાખવી પડશે.
ધાર્મિક વિધિ માટે રસ્તાની જાળવણી માટે પાલિકાના બેવડા ધોરણ
સુરત પાલિકા દ્વારા સ્વચ્છતાની જાળવણી માટે ધામિક ઉજવણીમાં થતા ન્યુસન્સ બદલ પાલિકાના બેવડા ધોરણ અપનાવતા હોવાની ફરિયાદ લોકો કરી રહ્યાં છે.
પાલિકાએ જે ગાઈડ લાઈન જાહેર કરી છે તે પ્રમાણે જ સુરતીઓ હોળી પ્રગટાવવાની અને ઠારવાની કામગીરી કરે છે. પરંતુ પાલિકાના રોડ બનાવવાના નિયમો માત્ર હોળી પુરતા જ સિમિત હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો આક્રોશપૂર્ણ રીતે કહે છે, શહેરના કેટલાક સમાજના લોકો જાહેર રોડ પર રસોડા કરે છે તેનાથી રોડને ભારે નુકસાન પણ થાય છે પરંતુ પાલિકા તંત્ર આવા લોકો સામે કોઈ કામગીરી કરતી નથી અને જે લોકો નિયમોના પાલન કરે છે તેવા લોકો સામે જ કાર્યવાહી કરે છે. આમ ગરમીથી રોડ બચાવવા માટે પાલિકાના બેવડા ધોરણો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.