Gujarat

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ

By GS TEAM
17 Jun 20262 mins read
TukuTouch Logo
ગુજરાતના વિવિધ મહાનગરોની પાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાયાની માહિતી સામે આવી છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં ટેન્શનનો માહોલ સર્જાયો હતો. જામનગર, વડોદરા અને પછી સુરત મહાનગરપાલિકા (SMC)ની મુખ્ય કચેરીને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. ધમકીભર્યા આ સંદેશાને પગલે પાલિકા કચેરી ખાતે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ

Bomb Threat News : ગુજરાતના વિવિધ મહાનગરોની પાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાયાની માહિતી સામે આવી છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં ટેન્શનનો માહોલ સર્જાયો હતો. જામનગર, વડોદરા અને પછી સુરત મહાનગરપાલિકા (SMC)ની મુખ્ય કચેરીને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. ધમકીભર્યા આ સંદેશાને પગલે પાલિકા કચેરી ખાતે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


ધમકી મળતા જ કચેરીમાં સર્ચ ઓપરેશન શરૂ

મળતી પ્રાથમિક વિગતો અનુસાર, સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો, સ્થાનિક બોમ્બ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક કચેરી ખાતે દોડી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા પાલિકાના તમામ વિભાગો, પાર્કિંગ એરિયા અને આસપાસના પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.


જામનગર અને વડોદરા મનપાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 

જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈ-મેલ મળતાં બુધવારે સવારે 10 વાગ્યાથી તંત્ર અને પોલીસ વિભાગ દોડતું થયું હતું. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી અને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાની સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી. જોકે કલાકો સુધી કડક રીતે તપાસ કર્યા બાદ કોઈ બોમ્બ ન મળતાં આ ધમકી માત્ર અફવા સાબિત થઇ હતી અને મનપાની કામગીરી ફરી શરૂ કરાવીને લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે આ રીતે જ વડોદરામાં પણ મનપાની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. 


જનતાને ગભરાવાની જરૂર નથી

આ ઘટનાને પગલે પાલિકાના કર્મચારીઓ અને કામ અર્થે આવેલા સામાન્ય નાગરિકોમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. બીજી તરફ, સુરત પોલીસની સાયબર ક્રાઇમ સેલની ટીમ પણ એક્ટિવ થઈ ગઈ છે.