Get The App

સુરતઃ પાલિકાએ ડાયમંડ એસો. ટ્રસ્ટને જગ્યા આપવાની દરખાસ્ત મુલતવી રાખી

Updated: Feb 25th, 2022

GS TEAM

Google News
Google News
સુરતઃ પાલિકાએ ડાયમંડ એસો. ટ્રસ્ટને જગ્યા આપવાની દરખાસ્ત મુલતવી રાખી 1 - image


- પાલિકાએ હોસ્પિટલ માટે જગ્યા આપવાની દરખાસ્ત લાવતા અન્ય સમાજ-સંસ્થાઓ પણ જગ્યા માટેની માગણી કરશે

- પાલિકા વરાછા- કતારગામ વિસ્તારમાં કામ કરતી સંસ્થા કે  પાટીદાર સમાજને જ જગ્યા આપવા દરખાસ્ત લાવે છે ? તેવા ઉભા થઈ રહેલા પ્રશ્નો

પ્રતિનિધિ દ્વારા, સુરત, શુક્રવાર

સુરત મ્યુનિ.ના વરાછા ઝોનમાં  સુરત ડાયમંડ એસો.એ હોસ્પિટલ બનાવવા માટેની જગ્યાની માંગણી સાથે ની દરખાસ્ત ગઈકાલે સ્થાયી સમિતિમાં મુલતવી રાખવામાં આવી છે. ડાયમંડ  એસો.એ પણ  હોસ્પિટલમાં પાલિકાની ભાગીદારીની શરત માન્ય ન રાખતા વિવાદ ઉભો થયો છે. આ સાથે અન્ય કેટલીક સંસ્થા અને સમાજ દ્વારા હોસ્પિટલ માટે જગ્યાની માગણી માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે સાથે પાલિકા હોસ્પિટલ માટે વરાછા- કતારગામ વિસ્તારમાં કામ કરતી સંસ્થા કે પાટીદાર સમાજને જ જગ્યા આપે છે ? તેવા પ્રશ્નો પણ ઉભા થયાં છે. 

સુરત મ્યુનિ.  તંત્રએ કતારગામ ઝોનની ઝોન ઓફિસ બનાવવાની હતી તે મોકાની જગ્યાએ પાટીદાર સમાજને હોસ્પિટલ બનાવવા માટે આપી દીધી હતી. કરોડો રૂપિયાની જગ્યા પાલિકાએ આપ્યા બાદ પણ હોસ્પિટલમાં પાલિકાનો ટ્રસ્ટી તરીકે ઉલ્લેખ નથી કે પાલિકાના કોઈ અધિકારી- પદાધિકારી સ્થાન આપવામાં આવ્યું નથી. ત્યાર બાદ હાલમાં સુરત ડાયમંડ એસો. દ્વારા પાલિકા પાસે વરાછા- ઉત્રાણ વિસ્તારમાં  હોસ્પિટલ બનાવવા માટે જગ્યાની માગણી કરવામાં આવી છે. પાલિકા કરોડો રૂપિયા ની જગ્યા આપતું હોય હોસ્પટલમાં ભાગીદારી રાખવા માટેની પહેલી વાર શરત મુકી છે. પરંતુ કિરણ હોસ્પિટલ ની જેમ જ ડાયમંડ હોસ્પિટલ પાલિકાના શરત માન્ય રાખી ન હોવાથી સ્થાયી સમિતિએ પહેલી વાર હિંમતભર્યા નિર્ણય કરીને દરખાસ્ત મુલતવી રાખી છે. જો કોઈ રાજકીય દબાણ ન આવે  અને સ્થાયી સમિતિ  હોસ્પિટલમાં પાલિકાની ભાગીદારીની શરત મક્કમ રાખે તો શહેરનું હિત જળવાઈ રહેશે. 

જકે, સુરત ડાયમંડ એસો. દ્વારા હોસ્પિટલ માટે જગ્યાની માગણી થયાં બાદ એક વિવાદ ઉભો થયો છે. પાલિકાએ આ પહેલાં હોસ્પિટલ માટે જગ્ચા આપી તે પાટીદાર સમાજને આપી છે અને કતારગામ વિસ્તારમાં આપી છે. હવે પાલિકામાં જગ્યા આપવાની દરખાસ્ત છે તે વરાછા-ઉત્રાણ વિસ્તારમાં છે અને તે સંસ્થામાં પાટીદાર સભ્યો નું પ્રભુત્વ છે. જેના કારણે એવો વિવાદ ઉભો થયો છે કે પાલિકા હોસ્પિટલ માટે વરાછા- કતારગામ કે પાટીદાર સમાજ હોય તો જ જગ્યા આપે છે. સુરતમાં અનેક સમાજ સેવાભાવી કામગીરી કરી રહ્યાં છે અને ભુતકાળમાં આ સમાજ દ્વારા પણ પાલિકા પાસે હોસ્પિટલ ની જગ્યાની માગણી કરવમાં આવી છે પરંતુ પાલિકા માત્ર પાટીદાર સમાજ અને વરાછા કતારગામને જ આ માટે પ્રાધાન્ય આપે છે. તો શું બીજા સમાજ કે બીજા વિસ્તારમાં હોસ્પિટલ માટે જગ્યાની માગણી થાય તો પાલિકા આપશે ખરી?

આગામી દિવસોમાં અન્ય સમાજ અને સંસ્થા દ્વારા પણ હોસ્પિટલ માટે જગ્યાની માગણી કરવામાં આવશે ત્યારે પાલિકા કતારગામ વરાછા વિસ્તારમાં જે નિયમો અપનાવી નિર્ણય કરે છે તેવા નિર્ણય કરશે કે નહીં  તે સમય બતાવશે.  કતારગામ-વરાછા અને પાટીદાર સમાજને હોસ્પિટલ માટે જગ્યા આપવામા આવી છે તેવી જ રીતે અન્ય સમાજ, સંસ્થા કે વિસ્તારને જગ્યાની ફાળવણી કરશે કે કેમ  તેવી ચર્ચા સાથે વિવાદ ઉભો થયો છે. 

Tags :