સુરતમાં પ્રથમ વરસાદે જ ડ્રેનેજ સિસ્ટમની પોલ ખોલી, જનજીવન ખોરવાયું, ઠેર-ઠેર પાણી પાણી ભરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

SMC Pre Monsoon Planning : સુરત શહેરમાં વહેલી સવારથી શરુ થયેલા મૂશળધાર વરસાદ સામે પાલિકાનું સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક અને પ્રિમોન્સુન કામગીરી તણાઈ ગઈ છે. સુરત શહેરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં શહેરના અનેક વિસ્તારોમાં મીની પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે અને શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર નહેર કે નદી હોય તેવા દૃશ્યો જોવા મળતા હતા. આ પાણીના ભરાવાના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા. શહેરમાં મૂશળધાર વરસાદ અને પાલિકાની નબળી પ્રિમોન્સુન કામગીરીને પગલે સુરતનું જનજીવન ખોરવાયું હતું.
સુરતમાં ચોમાસાની ધમાકેદાર શરુઆત થઈ છે પરંતુ તેની સામે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી હાંફી ગઈ છે. પાલિકાની નબળી કામગીરીને પગલે પહેલી વખત સુરતના મુખ્ય ગણાતા અડાજણ પાટીયાથી રામનગરના મુખ્ય માર્ગ નહેર જેવા બની ગયા હતા. આ વિસ્તારમાં મોટી માત્રામાં પાણીનો ભરાવો થયો હતો જેના કારણે કાર કે બાઇક અડધા ડૂબી જતાં વાહન ચાલકોની હાલત કફોડી થઈ ગઈ હતી. આ ઉપરાંત રાંદેર ઝોનના વોકવેથી પાલનપોર ગામ અને ન્યુ એલપી સવાણી કેનાલ રોડ પર પણ ઠેર ઠેર તળાવ બન્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, બે કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ચોરેકોર જળબંબાકાર
આ વિસ્તારમાં આવેલા પાલનપોર જકાતનાકા, સુરતના વેડરોડ, સિંગણપોર, હોડી બંગલા વિસ્તારમાં તો રસ્તા પર નદી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. આ વિસ્તારમાં ચારેક ફૂટ જેટલા પાણીનો ભરાવો થતાં પાર્ક કરેલા વાહનો અડધા ડૂબી ગયા હતા અને લોકો દુકાનો પણ ખોલી શક્યા ન હતા. જ્યારે સેન્ટ્રલ ઝોનના સલાબતપુરા વિસ્તારમાં આવેલા સપ્તશૃંગી માતાના મંદિરની આસપાસ તો તાપી નદી જ આવી ગઈ હોય તેમ રોડ પરથી પાણી વહેવા લાગ્યા હતા.

આ નીચાણવાળા વિસ્તારમાં દર ચોમાસામાં પાણીનો ભરાવો થતાં લોકોની હાલત કફોડી થાય છે, તેમ છતાં પાલિકા તંત્ર આ સમસ્યાનો હલ લાવી શક્યું નથી. તેથી આ વિસ્તારના લોકોએ દર ચોમાસામાં ભારે વરસાદ હોય ત્યારે મીની પૂર જેવી સ્થિતિમાં રહેવું પડે છે. આવી જ રીતે રેશમવાડ કબ્રસ્તાન વિસ્તારમાં પણ પાણીનો ભરાવો થતાં લોકોને હાલાકી થઈ રહી છે.
પાલિકાના માનદરવાજા વિસ્તાર તથા ઉમરવાડા જવાહર નગર વિસ્તારમાં વસાહત છે અને દરેક ગલીઓમાં પાણીનો ભરાવો થતાં લોકોની હાલત કફોડી થઈ રહી છે. સુરત પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અને વરસાદી પાણીનો ભરાવો નહીં થાય તેવા દાવા પણ આ વરસાદી પાણીમાં વહી ગયા છે અને સુરતીઓ ભગવાન ભરોસે આવી ગયા છે.










