Ahmedabad Crime News: સુરતની 17 વર્ષીય સગીરાનું એક યુવક દ્વારા કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે, જેને પગલે યુવતીના પિતાએ અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. FIR અનુસાર યુવતી, જેનું નામ રિદ્ધિ (નામ બદલેલું છે) (ઉંમર 17 વર્ષ અને 11 મહિના) છે, તે 14 નવેમ્બરથી ગુમ છે.
અમદાવાદની હોસ્ટેલમાંથી ગુમ
સુરતના વરાછાના રહેવાસી અને હીરા ઘસવાનું કામ કરતા જયંતિભાઈ ગોહિલે તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની મોટી દીકરી રિદ્ધિ જે B.Com પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. તે 14 નવેમ્બરના રોજ અમદાવાદની તેની મહિલા હોસ્ટેલમાંથી બે દિવસની રજાની અરજી આપીને નીકળી હતી.
જયંતિભાઈએ જણાવ્યું કે, તે બપોરે લગભગ 3 વાગ્યે ઘરે હતા, ત્યારે તેમના દીકરીના ફોન પરથી એક કોલ આવ્યો હતો. જો કે, સામે રિદ્ધિ નહોતી, પરંતુ એક યુવકે પોતાનો પરિચય ગોપાલ તરીકે આપ્યો અને કહ્યું કે 'હું ગોપાલ છું અને રિદ્ધિ મારી સાથે છે. અમે ભાગી જઈ રહ્યા છીએ. તમે અમને શોધતા નહીં.' જ્યારે રિદ્ધિ સાથે વાત કરાવવા કહ્યું, ત્યારે કોલ કરનારે તરત જ ફોન કાપી નાખ્યો હતો.
પિતાને યુવકે ફોન પર આપી જાણકારી
ગભરાયેલા જયંતિભાઈએ તરત જ પોતાની પત્ની, નાના ભાઈ મનીષભાઈ અને ભત્રીજા આકાશને જાણ કરી, અને ત્યારબાદ રિદ્ધિની ખબર કાઢવા માટે અમદાવાદમાં રહેતા તેમના સાસરિયાંનો સંપર્ક કર્યો. ત્યારબાદ તેઓ અમદાવાદ આવ્યા અને તેમના સંબંધીઓ પાસેથી જાણવા મળ્યું કે રિદ્ધિએ એક દિવસ પહેલા જ હોસ્ટેલમાં રજા માટે અરજી આપી હતી.પરિવારે રિદ્ધિને અમદાવાદ અને સુરત બંને જગ્યાએ શોધી પરંતુ તે મળી નહોતી.
ઈન્સ્ટાગ્રામ પર થયો હતો પરિચય
FIR મુજબ જયંતિભાઈએ જણાવ્યું કે, યુવક જેની ઓળખ ગોપાલ થોડિયા ( ઉ.વ 19, રહેવાસી વરાછા સુરત) તરીકે થઈ છે. તે એક વર્ષથી તેમની દીકરીના સંપર્કમાં હતો, જ્યારે તેઓ ઇન્સ્ટાગ્રામ પર મળ્યા હતા. ફરિયાદીએ કહ્યું કે પરિવાર તેમના સંબંધોથી વાકેફ હતો અને અગાઉ રિદ્ધિને આ બાબતે સમજાવટ પણ કરી હતી.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે, ગોપાલે રિદ્ધિને કાયદેસર રીતે લગ્નના ઈરાદાથી 'લલચાવી' છે. જે ગુનો બને છે, કારણ કે યુવતી હજુ સગીર છે. પોલીસે જણાવ્યું કે ગોપાલને તેના વરાછાના નિવાસસ્થાને શોધવાના પ્રયાસો અસફળ રહ્યા છે.
FIRમાં ઉમેરવામાં આવ્યું છે કે રિદ્ધિ અમદાવાદની એક કોલેજમાં B.Comનો અભ્યાસ કરતી હતી અને YMCA નજીકની હોસ્ટેલમાં રહેતી હતી. આનંદનગર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને સગીર યુવતી અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.


