લોકોની હેરાનગતિ દૂર કરવા સુરતના મેયરે બેઠક બોલાવી પણ કોન્ટ્રાક્ટર પાસે સમય નથી, હવે કોન્ટ્રાક્ટરના સમયે બેઠક થશે
Surat Corporation : સુરતના કતારગામ વિસ્તારમાં રત્નમાલા બ્રિજની કામગીરી ઠપ્પ થતા રોજ લાખો લોકોની હેરાનગતિ થાય છે. આ અંગેની અનેક ફરિયાદ બાદ સુરતના મેયરે બ્રિજ સેલના અધિકારીઓને તાકીદ કરી અને સોમવારે કોન્ટ્રાક્ટર સાથે તાકીદની બેઠક ગોઠવવા માટે સુચના આપી હતી. પરંતુ બ્રિજ સેલના અધિકારીઓ પાલિકા માટે નહી પરંતુ કોન્ટ્રાકટર માટે કામ કરતા હોય તેમ કોન્ટ્રાક્ટર સોમવારને બદલે બુધવારે આવશે તેથી બુધવારે મેયર સાથે બેઠક કરવા જણાવ્યું હતું. જેના કારણે હવે આ અગત્યની બેઠક કોન્ટ્રાકટરના સમયે બુધવારે થશે.
જોકે, મેયરે સૂચના આપી હોવા છતાં કોન્ટ્રાક્ટરના સમયે બેઠક રાખી છે તે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે. સુરત શહેરના કતારગામ વિસ્તારથી અમરોલી તરફ જવા માટે ટ્રાફિક સમસ્યા રહેતી હોય પાલિકાએ અંદાજે 70 કરોડના ખર્ચે રત્નમાળા બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. 2022માં આ બ્રિજની કામગીરી શરૂ થઈ હતી તેમ છતાં હજી આ બ્રિજની કામગીરી અધુરી છે. આટલું જ નહી પરંતુ હાલ સ્થળ પર કોઈ કામગીરી થતી નથી. તો બીજી તરફ આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધુ છે તેથી બ્રિજની કામગીરી અધુરી હોવાથી ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે. કોન્ટ્રાક્ટર કામગીરી કરતા નથી અને બીજી તરફ અધિકારીઓ પણ નિષ્ક્રિય હોવાથી બ્રિજની કામગીરી શરૂ થઈ શકી નથી અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ ફ્લાયઓવર બ્રીજનું કામ સાડા ત્રણ વર્ષથી ચાલે છે 30 મહિનામાં પુરું કરવાનું હતું, પરંતુ હજી 50 ટકા પણ પુરું થયું નથી. પહેલા સર્વિસ લાઈટ અને બીઆરટીએસ રુટના નામે કામગીરી અટકી હતી તેમ છતાં હજી પણ કામગીરી શરુ થઈ નથી. આ બ્રિજની કામગીરી રચના કન્સ્ટ્રકશનને આપવામાં આવી છે પરંતુ કામગીરી બંધ થઈ જતાં લોકોને હાલાકી પડી રહી છે.
આવી ગંભીર ફરિયાદ હોવાથી ગત શુક્રવારે મેયર દક્ષેશ માવાણીએ બ્રિજ સેલના અધિકારીઓને બોલાવી સોમવારે કોન્ટ્રાક્ટરને સાથે રાખીને બ્રિજની કામગીરી તાકીદે પુરી કરવા માટે સુચના આપવા બેઠકનું આયોજન કર્યું હતું. શુક્રવારે આ બેઠક માટે સુચના આપી હતી. આ ગંભીર સમસ્યા છે તેનું નિકારણ પણ જરૂરી છે તેમ છતાં પાલિકાના અધિકારીઓએ ગંભીરતા સમજી નહી. તેઓએ મેયરને જવાબ આપ્યો હતો કે સોમવારે કોન્ટ્રાક્ટર આવી શકે તેમ નથી તેમને બુધવારે ફાવે તેથી હવે બુધવારે બેઠકનું આયોજન થશે.
સુરતના મેયર લોકોની સમસ્યા માટે અધિકારીઓને તાકીદ કરી હતી. તેમ છતાં હવે પાલિકાના સમયે નહીં પરંતુ કોન્ટ્રાક્ટરને ફાવે તે સમયે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે બેઠક રદ્દ થઈ તેથી પાલિકાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર પાલિકા પર હાવી છે તેનું કારણ પાલિકાના અધિકારીઓ છે. તેથી આવી સ્થિતિ ઉભી થાય છે તેવી ચર્ચા પાલિકામા શરૂ થઈ ગઈ છે.