Get The App

માતા-પિતા જમતા હતા, બાળક પાણીમાં 15 મિનિટ તરફાડિયા મારતું રહ્યું: સુરતની હોટલમાં કરુણ ઘટના

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
માતા-પિતા જમતા હતા, બાળક પાણીમાં 15 મિનિટ તરફાડિયા મારતું રહ્યું: સુરતની હોટલમાં કરુણ ઘટના 1 - image


Surat News : સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી જાણીતી યુફોરિયા હોટલમાં બનેલી એક અત્યંત કરુણ ઘટનામાં દોઢ વર્ષના માસૂમ બાળકનું વોટર પોન્ડમાં ડૂબી જવાથી મોત થયું છે. બાળક તેના માતા-પિતા સાથે હોટલમાં જમવા માટે ગયું હતું, ત્યારે રમતા-રમતા તે બેન્કવેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયું હતું. આ ઘટના બાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ જવાયું હતું, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિજયભાઈ સાવલિયા તેમના પત્ની અને દોઢ વર્ષના પુત્ર ક્રિસીવ સાથે શહેરની યુફોરિયા હોટલમાં જમવા માટે ગયા હતા. આ હોટલ તેના આકર્ષક વોટર ફીચર્સને કારણે 'પાણીવાળી હોટલ' તરીકે પણ ઓળખાય છે. આ દરમિયાન ક્રિસીવ રમતા રમતા બેન્કવેટ હોલની બહાર નીકળી ગયો અને ત્યાં આવેલા વોટર પોન્ડમાં અચાનક પડી ગયો.

આસપાસ કોઈની નજર ન પડતાં, નિર્દોષ બાળક લગભગ 15 મિનિટ સુધી પાણીમાં તરફડિયાં મારતું રહ્યું હતું. આખરે, બેન્કવેટ હોલની બહાર બેઠેલા એક અન્ય ગ્રાહકની નજર આ માસૂમ પર પડી અને તેમણે તાત્કાલિક બૂમાબૂમ કરી હતી. ઘટનાની જાણ થતાં જ હોટલનો સ્ટાફ અને ક્રિસીવના માતા-પિતા ત્યાં દોડી આવ્યા હતા.

તાત્કાલિક બાળકને પાણીમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. તબીબોએ તપાસ કરતાં તેને મૃત જાહેર કર્યો હતો. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. એક નિર્દોષ બાળકના મોતથી તેના માતા-પિતા પર જાણે આભ તૂટી પડ્યું છે.


Tags :