એક અઠવાડિયાના વરસાદમાં સુરતનો વિયર કમ કોઝવે ઓવર ફ્લો, વાહન વ્યવહાર બંધ કરાયા
Gujarat Surat Rain Updates: સુરત શહેર સહિત જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે રાંદેર વિસ્તારનો વિયર કમ કોઝવે ઓવર ફ્લો થયો છે. જેના કારણે કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જેથી વાહનચાલકોએ ડભોલી જહાંગીરપુરા બ્રિજ અને ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. આ કોઝવેને ઓવર ફ્લો થતો જોવા માટે લોકો એકઠા થઈ રહ્યા છે. હાલ રાંદેર પોલીસ દ્વારા કોઝવે નજીક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે
સુરતમાં વરસાદની શરુઆત સાથે જ જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે અને શહેર અને જિલ્લાનું પાણી પણ તાપી નદીમાં આવી રહ્યું છે. ભારે વરસાદના કારણે જ તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે રાત્રિના ત્રણ વાગ્યે રાંદેર-સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલો વિયર કમ કોઝવે તેની ભયજનક સપાટીથી ઉપર વહેતા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. જ્યારે આ કોઝવેનો વાહન વ્યવહાર અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
વિયર કમ કોઝવે ઓવર ફ્લો થાય છે ત્યારે નયનરમ્ય દૃશ્ય જોવા મળે છે તેને જોવા માટે સુરતીઓ વરસતા વરસાદમાં કોઝવેની બંને તરફ બનાવામાં આવેલા ગાર્ડન પર પહોંચ્યા હતા. આ ગાર્ડનમાંથી કોઝવેનો ઓવર ફ્લો થતો નજારો લોકોએ માણ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, બે કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ચોરેકોર જળબંબાકાર
નીચાણવાળા વિસ્તારોમાં મિની પૂર જેવી સ્થિતિ
આ ધોધમાર વરસાદને કારણે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરુ થતાં, જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. સોમવારે વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે કલેક્ટરે સવાર પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે. સુરત શહેરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. સવારે આઠથી દસ દરમિયાન માત્ર બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદને લીધે શહેરમાં ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતાં જનજીવન થંભી ગયું હતું.