રાજ્યમાં હવે હોટલ-રેસ્ટોરન્ટમાં 'એનાલોગ પનીર'ના બોર્ડ મારવા ફરજિયાત, ભેળસેળિયાઓ સામે તંત્ર સજ્જ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: રાજ્યમાં બનાવટી પનીરના વેચાણ તથા નકલી તબીબનો રાફડો ફાટ્યો છે. તેમાં પણ હાલમાં બનાવટી યોગ ગુરુ નો ભાંડો ફુટ્યા બાદ લોકોમાં ભારે રોષ છે આરોગ્ય મંત્રી આજે(2 એપ્રિલ, 2026) સુરતમાં હોય આયુર્વેદ તબીબો તેમને રજુઆત કરવા માટે ગયા હતા. જ્યાં તેઓએ સુરતીઓના આરોગ્ય સાથે ચેડા કરનારા બોગસ તબીબો અને બનાવટી પનીર બનાવનારા સામે જે પરિપત્ર જાહેર થયા છે તેનો અમલ કરવા માટેની વાત કરી હતી. સાથે સાથે તેઓએ લોકોને જાગૃત રહેવા માટે પણ અપીલ કરી હતી. તાજેતરમાં જ નકલી 'યોગ ગુરુ'નો ભાંડો ફૂટ્યા બાદ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.
હોટલોમાં 'એનાલોગ પનીર'ના બોર્ડ ફરજિયાત
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, સુરતમાંથી તાજેતરમાં 1400 કિલો જેટલું ભેળસેળયુક્ત પનીર ઝડપાયું છે, જે લેબોરેટરી ટેસ્ટમાં 'સબ-સ્ટાન્ડર્ડ' જાહેર થયું છે. હોટલ અને કેટરિંગમાં વપરાતા આ પનીર અંગે અગાઉ જ એક પરિપત્ર જાહેર કરાયો હતો. હવે આ નિયમનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે. રેસ્ટોરન્ટમાં અસલી પનીર પીરસાય છે કે 'એનાલોગ પનીર' (વનસ્પતિ તેલમાંથી બનેલું નકલી પનીર), તેના સ્પષ્ટ બોર્ડ મારવા પડશે. ગ્રાહકોએ પણ જાગૃત બનીને પનીરની શુદ્ધતા અંગે સ્પષ્ટતા માંગવી જોઈએ.
બોગસ તબીબો પર ત્રાટકશે તંત્ર
નકલી તબીબો અને લેભાગુ તત્વો સામે આયુર્વેદ તબીબોએ આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હતી. જેના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, સરકાર આવા બોગસ ડોક્ટરોને શોધીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આયુર્વેદ તબીબો માટે રજિસ્ટ્રેશન પોર્ટલની મુદત પણ લંબાવવામાં આવી છે. જો તમામ પ્રમાણિત તબીબો પોતાની ડિગ્રી અને રજિસ્ટ્રેશન નંબર ક્લિનિકમાં પ્રદર્શિત કરશે, તો નકલી તબીબોની ઓળખ કરવી સરળ બનશે.
રૂપિયા 50 કરોડના ખર્ચે બનશે આધુનિક લેબોરેટરી
સુરતીઓના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વોને પકડવા માટે તપાસ પ્રક્રિયા તેજ બનાવવામાં આવશે. બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ, સુરતમાં રૂપિયા 50 કરોડના ખર્ચે એક અત્યાધુનિક લેબોરેટરી બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ લેબોરેટરી કાર્યરત થવાથી ખાદ્ય પદાર્થોના નમૂનાનું પરીક્ષણ ઝડપથી થશે અને ગુનેગારો સામે ત્વરિત પગલાં ભરી શકાશે.
આરોગ્ય મંત્રીએ જનતાને અપીલ કરી છે કે, જો ક્યાંય પણ ભેળસેળ કે બોગસ તબીબોની જાણકારી મળે તો તુરંત આરોગ્ય વિભાગને ફરિયાદ કરી તંત્રને સહયોગ આપે.
સુરતમાં પાલિકાએ માર્ચ મહિનામાં 1401 કિલો સીઝ કરેલો પનીરનો જથ્થો સબ સ્ટાન્ડર્ડ નિકળ્યો
ખાણીપીણી માટે વિશ્વમાં પ્રખ્યાત એવું સુરત શહેર ડુપ્લીકેટ પનીર નું હબ બની ગયું છે. પાલિકા- પોલીસે માર્ચ મહિનામાં પાંડેસરાની એક શોપમાંથી 1401 કિલો શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું હતું. આ પનીરને ચકાસણી માટે પાલિકાએ લેબોરેટરી માં મોકલ્યા હતા જ્યા આ પનીર સબ સ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું છે. પાલિકા તંત્રએ એડજ્યુડીકેટિંગ હેઠળ કામગીરી માટે કવાયત કરી છે. જોકે, આ પહેલા આ વેપારીએ સુરતીઓને હજારો કિલો બનાવટી પનીર ખવડાવી દીધું હતું.
સુરત પાલિકા અને એસ.ઓ.જી. દ્વારા છેલ્લા કેટલાક વખતથી બનાવટી પનીર બનાવનારા સામે સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે 3 માર્ચના રોજ પાંડેસરા ભીડભંજન સોસાયટી ગાળા નંબર 278 અમૃત મિલ્ક પ્રોડક્ટ માંથી 1401 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું હતું . મહેશ શર્મા નામનો વ્યક્તિ નકલી પનીર બનાવતો હોવાની બાતમી મળી હતી તેના આધારે પાલિકા-પોલીસે દરોડા પાડ્યા હતા જેમાંથી 1401 કિલો બનાવટી પનીર તથા બનાવટી પનીર બનાવવા માટેની 28.44 લાખની મશીનરી પણ જપ્ત કરી હતી.
દરમિયાન પાલિકા તંત્રએ પનીરના નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જે પનીર ના નમુના લેબોરેટરી તપાસ માં નિષ્ફળ ગયા હતા. છેલ્લા બે વર્ષથી આ વ્યક્તિ સુરતમાં બનાવટી પનીર બનાવવાનો ધંધો કરતો હતો રોજ 400 કિલોથી વધુનું પનીર નબાવી સુરતની ડેરી, લારીઓ પર વેચાણ કરતો હતો. આ નમુના નિષ્ફળ જતા પાલિકા તંત્રએ હવે ડજ્યુડીકેટિંગ કેસ હેઠળ કાર્યવાહીની કવાયત શરુ કરી છે. જોકે, આ પહેલાં આ વેપારીએ નફાની લ્હાઈમાં હજારો કિલો પનીર સુરતીઓને ખવડાવી દીધું છે.









