Get The App

સ્વચ્છ સુરતમાં ચોમાસા પહેલાં ઠેર-ઠેર ગાર્ડન વેસ્ટનો ગંભીર પ્રશ્ન, પાલિકાના આયોજન સામે સવાલ

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
સ્વચ્છ સુરતમાં ચોમાસા પહેલાં ઠેર-ઠેર ગાર્ડન વેસ્ટનો ગંભીર પ્રશ્ન, પાલિકાના આયોજન સામે સવાલ 1 - image

Surat News : દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મેળવનાર સુરતમાં આજે ગાર્ડન વેસ્ટના નિકાલનો પ્રશ્ન અત્યંત ચિંતાજનક બન્યો છે. ચોમાસા પહેલાં અગમચેતીના ભાગરૂપે શહેરભરમાં વૃક્ષોની ડાળીઓની કાપકૂપ, બગીચાઓની સફાઈ અને સોસાયટીઓમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ, તેના પરિણામે ઊભા થતા ગાર્ડન વેસ્ટના યોગ્ય અને સમયસર નિકાલ માટે તંત્ર પાસે કોઈ સુવ્યવસ્થિત વ્યવસ્થા જોવા મળતી નથી. પરિણામે, શહેરના અનેક મુખ્ય રસ્તાઓ, ખાલી પ્લોટ અને જાહેર સ્થળો પર કપાયેલી ડાળીઓ, સુકા પાંદડા અને ઝાડી-ઝાંખરાના મોટા ઢગલા ખડકાઈ રહ્યા છે, જે સુરતની સુંદરતાને ડાગ લગાવી રહ્યા છે.

ડોર-ટુ-ડોર કલેક્શનમાં ગાર્ડન વેસ્ટનો સ્વીકાર ન થતાં નાગરિકો મૂંઝવણમાં

એક તરફ સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાના રાષ્ટ્રીય મોડેલ તરીકે પોતાની ઓળખ જાળવવાના મોટા-મોટા દાવા કરે છે, તો બીજી તરફ ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વ્યવસ્થામાં ગાર્ડન વેસ્ટનો સમાવેશ ન થતાં નાગરિકો ભારે મૂંઝવણમાં મુકાયા છે. ગાર્ડન વેસ્ટ ક્યાં નાખવો અને તેનો સુરક્ષિત નિકાલ કેવી રીતે કરવો તે અંગે પાલિકાની સ્પષ્ટ નીતિના અભાવે કચરાના ઢગલા દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે. શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રીન કવર વધારવા માટે મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. રહેણાંક સોસાયટીઓ અને બગીચાઓ હરિયાળા બન્યા છે, પરંતુ હવે આ હરિયાળી જાળવવા માટે સમયાંતરે કરાતા ટ્રિમિંગનો કચરો માથાનો દુખાવો બન્યો છે.

આ પણ વાંચો : વૈભવે મેદાન ધ્રુજાવ્યું: એક પણ સિંગલ લીધા વિના અર્ધસદી, 10 ચોગ્ગા, 8 છગ્ગા... 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

ચોમાસામાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાનો અને પાણી ભરાવાનો મોટો ખતરો

ચોમાસાની શરૂઆત પહેલાં સોસાયટીઓમાં ગાર્ડનની સફાઈ બાદ નીકળતો કચરો લોકો મજબૂરીમાં સોસાયટીની બહાર અથવા જાહેર રસ્તા કિનારે મૂકી દે છે. આ કચરો ઉપાડવા માટે કોઈ નિયમિત વાહન ન આવતું હોવાથી તે દિવસો સુધી રસ્તા પર જ સડે છે. પાલિકાની ડોર-ટુ-ડોર સેવા માત્ર ઘરેલુ કચરો એકત્ર કરે છે અને ગાર્ડન વેસ્ટ સ્વીકારવાની સાફ ના પાડી દે છે, જ્યારે સફાઈ વિભાગ પણ આની જવાબદારી લેવા તૈયાર નથી. તંત્રની આ આળસ માત્ર દ્રશ્ય પ્રદૂષણ નથી ફેલાવતી, પરંતુ ચોમાસા દરમિયાન આ સુકા પાંદડા અને ડાળીઓ પાણીના પ્રવાહમાં તણાઈને ગટરો તેમજ ડ્રેનેજ લાઈનમાં અવરોધ સર્જી શકે છે, જેનાથી સ્થાનિક સ્તરે જળબંબાકારની સ્થિતિ સર્જાવાનો મોટો ખતરો ઊભો થયો છે.