સુરતમાં બે યુવતીના સામૂહિક આત્મહત્યા કેસમાં મસ્કનું રિએક્શન, જાણો ChatGPT વિશે શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : સુરતના સ્વામિનારાયણ મંદિરના વોશરૂમમાં બે કૉલેજિયન યુવતીની આત્મહત્યા મુદ્દે હવે ટેસ્લાના સીઈઓ અને Xના માલિક ઈલોન મસ્કે પણ પ્રતિક્રિયા આપી છે. આ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, યુવતીઓએ આત્મહત્યા કરવા માટે ChatGPTનો સહારો લીધો હતો. આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં મસ્કે એક જ શબ્દ લખ્યો છે, ‘Yikes’. આ શબ્દનો અર્થ ‘ભયાનક’ કે ‘આઘાતજનક’ થાય છે.
શું હતી સુરતની એ ઘટના?
સુરતમાં 6 માર્ચ, શુક્રવારના રોજ 18થી 20 વર્ષની વયની બે યુવતી ગુમ થઈ હતી. બંને કૉલેજ જવા નીકળી હતી પરંતુ મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે મોબાઇલ લોકેશન ટ્રેક કરતાં જાણવા મળ્યું કે, બંને સુરતના સ્વામિનારાયણ મંદિરમાં છે. મંદિરના સીસીટીવી ફૂટેજ તપાસતા બંને વોશરૂમમાં જતી જોવા મળી હતી, જ્યાંથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી એનેસ્થેટિક ડ્રગ્સની બોટલો અને સિરીંજ મળી આવી હતી.

મોબાઇલ સર્ચ હિસ્ટ્રીમાં થયો ખુલાસો
આ અંગે સુરત પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, અમે યુવતીઓના મોબાઇલ અનલોક કર્યા, ત્યારે તેમની ચેટજીપીટી સર્ચ હિસ્ટ્રીમાં આત્મહત્યા માટે કઈ દવાનો ઉપયોગ કરી શકાય તે અંગેની વિગતો મળી હતી. એટલું જ નહીં, તેમની ગેલેરીમાં એક ન્યૂઝ રિપોર્ટનો સ્ક્રીનશોટ પણ હતો, જેમાં એક મહિલાએ એનેસ્થેટિક ઇન્જેક્શન દ્વારા જીવ આપ્યો હોવાનું લખ્યું હતું.
મસ્ક ઓપનએઆઇના આકરા ટીકાકાર
ઈલોન મસ્ક લાંબા સમયથી ચેટજીપીટીની પેરેન્ટ કંપની OpenAIના ટીકાકાર છે. મસ્ક ઘણીવાર તેમની માલિકીના એઆઇ ચેટબોટ 'Grok'ને ચેટજીપીટી કરતાં વધુ સારું અને સુરક્ષિત ગણાવે છે. અગાઉ પણ તેમણે આક્ષેપ કર્યો હતો કે, ઓપનએઆઇ નફો કમાવવાના ચક્કરમાં નૈતિકતા ભૂલી રહ્યું છે. આ ઘટના બાદ મસ્કે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ગ્રોકના કારણે કોઈએ આત્મહત્યા નથી કરી, પરંતુ ચેટજીપીટીના કારણે આવું થઈ રહ્યું છે.









