સુરતના ગણેશોત્સવમાં ગામડું ઊભું કરાયું, ગાડું, કૂવો, ઓસરી, બાંકડા અને રસોડાંની થીમ
Surat News: સુરત શહેર મેટ્રો સીટી બનવા તરફ દોડી રહ્યું છે ત્યારે શહેરમાં રહેતા અનેક યંગસ્ટર્સે ગામડાની સંસ્કૃતિથી અજાણ છે, તેવામાં સુરત શહેરમાં રાંદેરના એક ગણેશ મંડળે ગામડાંનો સેટ બનાવી તેમાં ગણેશજીની સ્થાપના કરી છે. આ ગણેશ મંડપમાં વડીલો દર્શન કરવા આવે છે ત્યારે તેઓને બાળપણની યાદો તાજી થાય છે તો યંગસ્ટર્સ ગામડું જોઈને અભિભૂત થઈ રહ્યા છે. ગામડાંની સંસ્કૃતિ જીવંત રાખનારો આ ગણેશ મંડપ ગણેશ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
નવયુવક મંડળે શહેરમાં જ અસલ ગામડાંનો સેટ બનાવ્યો
સુરતમાં ગણેશોત્સવનો માહોલ જામી ગયો છે અને ગણેશ આયોજકો દ્વારા જુદા જુદા થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. સુરત શહેર બ્રિજ સીટી અને ડાયમંડ સીટી બની ગયું છે ત્યારે રાંદેર વિસ્તારમાં અંબાજી ચકલા નવયુવક મંડળે શહેરમાં જ અસલ ગામડાંનો સેટ બનાવી દીધો છે. હાલના યંગસ્ટર્સ જેઓએ ગામડાંની મુલાકાત લીધી ન હોય તેવા માટે તેવા માટે આ સેટ જોઈ ગામડાંનો અનુભવ કરી શકે છે આ ગણપતિ મંડપમાં ગણપતિદાદાના દર્શન કરવા હોય તો પહેલાં ગામડાંમાં ફરતાં હોય તેવો માહોલ પસાર કરવો પડે છે.
છાણથી લીંપેલી દીવાલ બનાવી શણના કાપડનો ઉપયોગ કરાયો
ગામની શેરી, ઓસરી, ઘર બહાર રોપાયેલા છોડ, ઘર બહાર ગાડું મૂકવામાં આવ્યું છે અને તેની નજીક કૂવો બનાવવામાં આવ્યો છે. ઘરના દરવાજામાં પ્રવેશવા સાથે ઓસરી બહાર રોપાયેલા છોડ, વૃક્ષ તુલસી ક્યારો સહિતનું દૃશ્ય જોવા મળે છે. આ ઉપરાંત ઘરમાં પ્રવેશતાં જ ગામડામાં હોય તેવા બાંકડા, ટેબલ, પટ્ટી વાળો ખાટલો, નાની સંદૂક પણ મૂકવામાં આવી છે. આ ઉપરાંત ઘરમાં જે દીવાલ બનાવવામાં આવી છે તે દીવાલ છાણથી લીંપેલી બતાવવા શણના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના પર વારલી પેઇન્ટીંગ કરવામાં આવ્યું છે.
બાજટ ગોઠવીને ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી
આ ઘરમાં વધુ અંદર પ્રવેશે તો ગામના ઘરમાં હોય તેવું અદ્દલ રસોડું બનાવામાં આવ્યું છે ઘોડી પર વાસણ ગોઠવવા સાથે ત્યાં બાજટ ગોઠવીને ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી છે. આ ગણેશજીના દર્શન કરવા આવો ત્યારે ગામડાંના ઘરનો માહોલ સાથે ગામડામાં લોકો ભેગા થઈ કે રમતા હોય કે બેસીને ચર્ચા કરતા હોય તેવું પણ જોવા મળે છે.
ગણેશોત્સવમાં અદલ ગામડાંનો સેટ આકર્ષણનું કેન્દ્ર બન્યો
આમ, હાલના વિકસિત થતા સુરતમાં અદલ ગામડાંનો સેટ ગણેશોત્સવમાં ઊભો કરવામાં આવ્યો છે. આ જગ્યાએ વડીલો દર્શન કરવા માટે આવે છે તો જેઓએ ગામડાંમાં બાળપણ વિતાવ્યું છે તેઓને જૂની યાદ તાજી થઈ છે અને જે યંગસ્ટર્સ કે બાળકો જોવા આવે છે તેમને અદ્ભુત અનુભવ થઈ રહ્યો છે. આ મંડળનું ગામડાંનું આકર્ષક નિર્માણ લોકોને પરંપરા અને આધુનિકતાની વચ્ચેનું જીવંત જોડાણ અનુભવી શકે એવું બન્યું છે.