સુરતમાં સાડીના કારખાનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ, જૂના કારીગર સહિત બે શખસો લૂંટ કરી ફરાર
Firing in Surat: સુરતના પુણાગામ વિસ્તારમાં ફાયરિંગની ચકચારી ઘટના સામે આવી છે. ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીના માલિક સાથે માથાકૂટ થતાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલની લૂંટ કરી જૂનો કારીગર અને તેની સાથે આવેલો એક શખસ ફરાર થઈ ગયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે પુણા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી પ્રમાણે સુરતના પુણા વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં સાડીનું કારખામાં બુધવારે (પાંચમી જૂન) બપોરે દોઢેક વર્ષ પહેલા ખાતામાં કામ કરતો કારીગર દિલીપસિંહ બંદુક લઈને આવ્યો હતો. આ ઉપરાંત તેની સાથે એક અજાણ્યો શખસ પણ હતો. આ બન્નેએ કારખાનાની ઓફિસના ઘૂસીને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
બાદમાં કારખાનામાં કામ કરતા અન્ય કારીગરોને ભેગા કરી નીચે બેસાડીને ધમકાવ્યા હતા. ત્યારબાદ આ કારીગરોના મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સહિત 10,000થી વધુની લૂંટ કરીને કારખાનામાં કામ કરતા કારીગરોને ધમકી આપતા કહ્યું હતું કે, 'વાપસ કામ કરને આયે તો જાન સે માર દેંગે'
આ પણ વાંચો: આણંદના ખંભાતમાં પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટતાં બે શ્રમિક દટાયા, એકનું મોત
પોલીસે અલગ અલગ ટિમો બનાવી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી
આ મામલે પીઆઈ વી.એમ.દેસાઈએ જણાવ્યું કે, 'સાડીનું કારખામાં ફાયરિંગ ઘટનાની ફરિયાદ લઈને સીસીટીવીના આધારે તથા તેનો ફોટો આઇડી અને મોબાઇલ નંબરના આધારે ત્રણ અલગ અલગ ટિમો બનાવી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. આરોપી એકથી દોઢ વર્ષ પહેલાં ફરિયાદીના ખાતામાં કામ કરતો હતો. આરોપી ત્રણ કારીગરના મોબાઇલ અને રોકડાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.'