વડોદરા-આર.વી. દેસાઇ રોડના પિતા-પુત્રનું કારસ્તાન: અમેરિકા રહેતા સુરતના ઇજનેરને શેરબજારમાં નફાની લાલચ આપી 40.85 લાખ પડાવ્યા
- અમેરિકાથી ઓનલાઇન રૂ. 50.40 લાખ ટ્રાન્સફર કર્યા, જે પૈકી હસમુખ શાહ અને પુત્ર અંકિતે માત્ર રૂ. 9.54 લાખ પરત કર્યા
સુરત
અમેરિકા સ્થાયી થયેલા મૂળ સુરતના ગોપીપુરાના રહેવાસી સોફ્ટવેર એન્જિનીયર સાથે ટ્રેનીંગ દરમિયાન મિત્રતા કેળવી શેરબજારમાં રોકાણની લાલચ આપી રૂ. 50.40 લાખ લીધા બાદ માત્ર રૂ. 9.54 લાખ પરત આપી બાકી રૂ. 40.85 લાખ માટે ધક્કે ચડાવી છેતરપિંડી કરનાર વડોદરાના પિતા-પુત્ર સહિત ત્રણ વિરૂધ્ધ ઉમરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.
ગોપીપુરાના સંઘાડીયા વાડની જગુ વલ્લભની પોળના મૂળ રહેવાસી એવા હાલ અમેરિકા સ્થાયી થયેલા સોફ્ટવેર એન્જિનીયર શૈલેષ નટવરલાલ રાણા વર્ષ 1999 માં અમદાવાદ ખાતે સોફ્ટવેર પ્રોગ્રામીંગના ટ્રેનીંગ અંતર્ગત અંકિત હસમુખ શાહ (રહે. સોહમ જવાહર સોસાયટી, ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક, આર.વી. દેસાઇ રોડ, વડોદરા) સાથે મિત્રતા થઇ હતી. અમદાવાદ ઉપરાંત મુંબઇ ખાતે પણ ટ્રેનીંગ અંતર્ગત બંને એક જ રૂમમાં રહેતા હતા. જે અંતર્ગત અંકિતે તેના પિતા હસમુખ શાહ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં શેર બ્રોકર અને ભાઇ અમીત શાહ ઓનલાઇન ટ્રેડીંગ અને ઇન્વેસ્ટમેન્ટ કન્લસટન્ટ તરીકે કામ કરે છે, તમારે રોકાણ કરવું હોય તો જણાવજો. જો કે શૈલેષને વર્ષ 2005 માં અમેરિકાની કંપનીમાં જોબ મળી જતા અમેરિકા શીફ્ટ થઇ ગયો હતો. પરંતુ બંને એકબીજાના સંર્પકમાં હતા. દરમિયાનમાં વર્ષ 2009 માં પિતાની અંતિમવિધી માટે સુરત આવેલા શૈલેષે અંકિતના કહેવાથી જુલાઇ 2011 થી જૂન 2012 સુધીમાં ટુક્ડે-ટુક્ડે રૂ. 50.40 લાખનું રોકાણ કરવા આરટીજીએસથી અંકિતના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જેની સામે કોઇ રસીદ આપી ન હતી પરંતુ 1.75 ટકાથી લઇ 12.50 ટકાના વ્યાજદરની જુદી-જુદી રૂ. 3.50 લાખની એફ.ડીમાં રોકાણની રસીદ આપી હતી. માર્ચ 2013 માં શૈલેશે હિસાબ માંગ્યો હતો પરંતુ રોકાણ કર્યુ છે એટલે હાલ રૂપિયા પરત મળશે નહીં એમ કહી વાયદા કર્યા બાદ ઓનલાઇન અને રોકડ મળી ટુક્ડે-ટુક્ડે રૂ. 9.54 લાખ પરત કર્યા હતા. પરંતુ બાકી રૂ. 40.85 લાખનો હિસાબ કે રૂપિયા પણ પરત કર્યા ન હતા. શૈલેશના કહેવાથી તેનો ભાઇ જયેશ રાણા ઉઘરાણી માટે અંકિતના વડોદરા ખાતે રહેણાંક ખાતે ગયો હતો પરંતુ તે ઘરે હાજર ન હતો. જેને પગલે શૈલેષ આપેલા પાવરના આધારે બનેવી મોન્ટુ કંચનલાલ જરીવાલા (ઉ.વ. 41 રહે. ચંદુલાલ માસ્તરની શેરી, ગોપીપુરા) એ ત્રણેય પિતા-પુત્ર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
સરનામું બદલવાનું કહી એફ.ડી લઇ ગયા, NRI એન્જિનીયરની EDમાં ફરિયાદ
અમદાવાદ ખાતે ટ્રેનીંગમાં મિત્રતા બાદ વારંવાર અંકિત શાહે રોકાણ માટેનું કહેતા વર્ષ 2011 માં રોકાણ કરવાનું શરૂ કર્યુ હતું. ટુક્ડે-ટુક્ડે રૂ. 50.40 લાખના રોકાણ પૈકી જુદી-જુદી કંપનીની એફ.ડીમાં રૂ. 3.50 લાખનું રોકાણ કર્યુ હતું. જો કે આ એફ.ડી પણ તેમાં સરનામું ચેન્જ કરવાનું છે એમ કહી લઇ ગયા બાદ પરત આપી ન હતી. બીજી તરફ વારંવાર હિસાબની માંગણી કરવાની સાથે રૂપિયા પરત આપવાનું કહેવા છતા વાયદા કરતા શૈલેષ રાણાએ વકીલ હસ્તક નોટીસ ફટકારવાની સાથે સપ્ટેમ્બર 2024 માં ઇડીમાં પણ ફરિયાદ કરી હતી. જેની તપાસ હાલ ચાલી રહી છે.